એપલે ઓફિશિયલી ૨૦૨૧ના વર્ષના આઈફોન ફોટોગ્રાફી એવોડ્ર્સની પોતાની ૧૪મી આવૃત્તિના વિજેતાઓની જાહેરાત કરી દીધી છે. જેમાં ફોટોગ્રાફર ઓફ ધ યરના પુરસ્કાર માટે પહેલો નંબર પૂણેના શરણ શેટ્ટીએ મેળવ્યો છે.
એપલે કુલ ૧૮ કેટેગરીની હજારો એન્ટ્રીઓમાંથી શેટ્ટીની ફોટોગ્રાફીની પસંદગી કરી હતી. એપલ દર વર્ષે ખાસ આઈફોન અને આઈ પેડ યૂઝર્સ માટે ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરે છે.
મજાની વાત એ હતી કે શેટ્ટીએ આઈફોનના લેટેસ્ટ મોડલ પૈકીના એકેય નહીં પરંતુ ચાર વર્ષ જૂના આઈફોન એક્સથી એ ફોટો પાડેલો. તેણે પાડેલા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં એક વેરાન જગ્યાએ એક ઘોડેસવાર તેના ઘોડાના માથા સાથે માથું ટેકવીને બેઠો છે.
શરણે તેને બોન્ડિંગ એવું શીર્ષક આપ્યું હતું. આ ફોટો તેણે અઝરબૈજાનની રાજધાની બાકૂના યાનારદાગમાં ક્લિક કરી હતી. ઉલ્લેખનીય છે કે એપલ છેલ્લાં ૧૪ વર્ષથી આ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરે છે જેમાં દુનિયાભરમાંથી આઈફોન અને આઈ પેડ યૂઝર્સ પોતે પાડેલી તસવીરો મોકલે છે. જેમાંથી શ્રેષ્ઠ ત્રણ તસવીરોને પસંદ કરવામાં આવે છે.