પ્રશ્ન : હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. દિવસમાં એકથી વધુ વખત માસ્ટરબેશન કરવાથી તંદુરસ્તી પર અસર પડી શકે? મેં આ અંગે મારા મિત્રો સાથે વાતચીત અને ઇન્ટરનેટ પર પણ રિસર્ચ કર્યું હતું, પણ સંતોષકારક જવાબ મળ્યો નહીં. મને પૂરતા દાઢી-મૂછ પણ નથી આવ્યા. શું આનું કારણ માસ્ટરબેશન હોઈ શકે? એક યુવક (અમદાવાદ)
ઉત્તર : દરેક પ્રશ્નોના જવાબ તમારા મિત્રો અને ઇન્ટરનેટ પર મળી રહે તે જરૂરી નથી. તમારો પ્રશ્ન એવો છે કે જેના માટે યોગ્ય વ્યક્તિ એક ડોક્ટર કે સેક્સોલોજિસ્ટ હોઈ શકે. કોઈ પણ ખચકાટ રાખ્યા વિના તમે કોઈ ડોક્ટર કે સેક્સોલોજિસ્ટનો સંપર્ક સાધો. આ ઉંમરે માસ્ટરબેશનની આદત પડે તે સ્વાભાવિક છે, પણ એનો અર્થ એ નથી કે કોઈ પણ સ્ત્રોત પાસેથી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરો.
રહી વાત પૂરતી દાઢી ન આવવાની, તો તેમાં પણ હોર્મોન્સની વધ-ઘટ જવાબદાર હોય છે, જેનું યોગ્ય નિદાન અને ઉપચાર કોઈ સેક્સોલોજિસ્ટ જ કરી શકે. માટે વહેલી તકે સેક્સોલોજિસ્ટનો સંપર્ક સાધો. હકીકતમાં જ્યારે છોકરો 13-14 વર્ષનો થાય ત્યારે શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન બનવા લાગે છે. જેનાથી જાતીય લક્ષણોનો વિકાસ થવા લાગે છે. આના કારણે શરીરમાં વીર્ય બનવા લાગે છે, દાઢી અને મૂછ આવવાની પણ શરૂઆત થાય છે.
જો તમારી ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્થાન આવતું હોય, હસ્તમૈથુન કરી શકતા હોવ, વીર્યસ્ત્રાવ થતો હોય તો ચિંતાની બિલકુલ જરૂર નથી. આ કારણે દાઢી ન આવવી કે છાતીના ભાગે વાળ ન હોવા એ નપુંસકતાની નિશાની નથી, આથી ચિંતા કરશો નહીં. આના માટે તમે ઇચ્છો તો એન્ડોક્રાઇનોલોજિસ્ટની મુલાકાત લઇ શકો છો.
પ્રશ્ન : હું 27 વર્ષની યુવતી છું અને હાલમાં પ્રેગ્નન્ટ છું. ત્રણ મહિના પછી મારી ડિલિવરી છે. મારી મોટી બહેને પણ બે મહિના પછી દીકરાને જન્મ આપ્યો છે, પણ પ્રસૂતિ પછી તેને પૂરતું ધાવણ ન આવતા ભારે સમસ્યા થઇ હતી. શું મને પણ આવો જ કડવો અનુભવ થશે? પ્રસૂતિ પછી મને સારું ધાવણ આવે એ માટે શું આગોતરા ઉપાય કરવા જોઇએ? એક મહિલા (અમરેલી)
ઉત્તર : પૂરતું ધાવણ આવે તે માટે પ્રસૂતિનાં 4-5 મહિનાથી જ સ્તનની કાળજી રાખવી. ગાયનેકોલોજિસ્ટ પાસેથી સ્તનની ખાસ કરીને નિપલની તપાસ, તેની કાળજી, સાફ કરવાની પદ્ધતિ, હળવા હાથે મસાજ કેવી રીતે કરવો તે જાણી લેવું. આનાથી નિપલ કડક થવી, ચીરા પડવા જેવી શક્યતા ઘટશે. માતાએ આહારમાં દૂધની બનાવટો, લીલાં શાકભાજી, કઠોળ લેવા તેમજ સુપ, છાશ, જ્યૂસ, નાળિયેર પાણી તેમજ દૂધ નિયમિત રીતે પીવું. કુટુંબીજનો ખાસ કરીને માતા અથવા સાસુ, બહેન, પતિનો ઉષ્માપૂર્ણ વ્યવહાર માતાની બધી ચિંતા ઘટાડી દેશે.
તેઓ માટે આ છ મહિના માતાને શ્રેષ્ઠ સહકાર આપવાનો ઉત્તમ મોકો છે. આ સિવાય પ્રસૂતિ પછી બાળકને સતત સાથે રાખવું અને વારંવાર ચૂસાવવું. વધુ ચૂસવાથી દૂધવાહિનીઓ ખૂલશે તેમજ ધાવણ વધારતા અંત:સ્રાવો વધશે. માતાએ પોતે મનથી જ નક્કી કરવું કે મારે પહેલા છ મહિના ફકત ધાવણ આપવું જ છે, તો તેનામાં પૂરતો આત્મવિશ્વાસ આવશે, તો જ તે તેનાં શ્રેષ્ઠ પ્રયત્નો કરી શકશે. મૂંઝવણ હોય તો ડોક્ટરને પૂછી લેવું. અમુક આયુર્વેદિક દવાઓ તેમજ શતાવરીનું સેવન ધાવણ વધારવામાં ફાયદો કરે છે. સારા પરિણામ માટે માતા માટે પૂરતી ઊંઘ પણ જરૂરી છે.
શરૂઆતમાં ઓછું ધાવણ આવે તો પહેલા બે દિવસ દૂધ કે ડબ્બા આપવાની માન્યતા ખોટી છે. ધાવણ આપતી માતાઓએ વ્યસન, મસાલા, ફેમિલી પ્લાનિંગની ગોળીઓ, જંક ફૂડથી દૂર રહેવું. ડીપ બ્રિધિંગ જેવા પ્રાણાયામ અને પ્રસૂતિનાં ત્રણ માસ બાદ મત્સ્યાસન કે સર્વાંગાસન અંત:સ્રાવોનું પ્રમાણ સરખું રાખવામાં મદદરૂપ થાય છે. ગાયનેકની સલાહથી હળવી કસરત પણ કરી શકાય.