પ્રશ્ન : મારાં લગ્ન થયાં ત્યારે શરૂઆતમાં મારા પતિ રોજ સાથ માણતા હતા. હવે અમારા લગ્નને લગભગ વર્ષ થવા આવ્યું છે, ત્યારે એ મારાથી દૂર રહેવા લાગ્યા છે. રોજ સાથ માણવાને બદલે હવે એ બે-ત્રણ દિવસે એક વાર સાથ માણે છે. મને ચિંતા થાય છે કે એ મારાથી આમ દૂર કેમ રહેવા લાગ્યા હશે? એમના જીવનમાં અન્ય કોઇ યુવતીનું આગમન તો નહીં થયું હોય ને?
એક મહિલા (ગાંધીનગર)
ઉત્તર : લગ્ન થયાં હોય ત્યારે કોઇ પણ દંપતી માટે એકબીજાનો પ્રેમ અને સાથ મેળવવા માટે રોજેરોજ સાથ માણવાનું સામાન્ય છે. હવે તમારા લગ્નને વર્ષ થવા આવ્યું છે. આ દરમિયાન તમે બંને એકબીજાને જાણી-સમજી ગયાં હો એ સ્વાભાવિક છે. વળી, લગ્નજીવનની શરૂઆતમાં સાથીદારનો સાથ માણવાનો ઉત્સાહ વધારે હોય છે આથી પણ ક્યારેક નવદંપતી વચ્ચે રોજ સંબંધ બંધાતો હોય છે.
સમય જતાં જ્યારે બંને એકબીજા માટે જ છો અને જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે સાથ માણી શકો છો એ વિચારથી અને થોડી સમજદારી વિકસવાથી સાથ માણવાનું પ્રમાણ ઓછું થઇ જાય છે.
એ માટે એવો વિચાર કરવાની જરૂર નથી કે પતિના જીવનમાં અન્ય કોઇનું આગમન થયું હશે અથવા એ તમારાથી દૂર રહેવા લાગ્યા છે. તમારાં દાંપત્યજીવનમાં કોઇ પ્રકારની સમસ્યા નથી. માત્ર એટલું જ કે તમારી વચ્ચે હવે સારો સંબંધ સ્થપાઇ ગયો છે અને તેથી સાથ માણવાનું પ્રમાણ થોડું ઘટ્યું છે.
પ્રશ્ન : મારી એક ફ્રેન્ડ અનેક યુવાનો સાથે મોડી રાત સુધી ફરે છે. એ ક્યારેક તો ઘરે પણ જતી નથી. એનાં માતા-પિતાને આ વાતનો ખ્યાલ છે, પણ તેઓ એને કંઇ કહી શકતાં નથી. એને કેવી રીતે સમજાવવી કે આ રીતે એ પોતાનું જ અહિત કરી રહી છે?
એક યુવતી (આણંદ)
ઉત્તર : તમારી ફ્રેન્ડ મોડી રાત સુધી યુવાનો સાથે બહાર ફરે છે અને તેનાં માતા-પિતા જો આ વાત જાણતાં હોવા છતાં એને કંઇ ન કહી શકતાં હોય, તો તમારે આટલી ચિંતા કરવાની જરૂર નથી. એને જો પોતાનાં માતા-પિતાની કે પોતાની જાતની કોઇ પ્રકારની ચિંતા ન હોય અથવા કંઇ અહિત થઇ શકે છે એવો ખ્યાલ ન આવતો હોય તો તમે એને સમજાવવાનો પ્રયત્ન કરશો તો પણ એ નહીં સમજે.
આવી યુવતીઓ જ્યારે તેમને કોઇ કટુ અનુભવ થાય ત્યારે જ વાસ્તવિકતા સમજે છે. આથી તમે એની ચિંતા કર્યાં વિના એની જિંદગી એની રીતે જીવવા દો તે તમારા તેમ જ તમારી મૈત્રી માટે સારું રહેશે. દરેક વ્યક્તિ પોતે જ પોતાના જીવન માટે જવાબદાર હોય છે.