હું ૩૫ વરસની છું. મને બે પુત્રીઓ છે છેલ્લા કેટલાક દિવસોથી મારા હાથમાં કંપારી થાય છે. તેમજ હથેળીમાં પરસેવો પણ વળે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક બહેન (મુંબઇ)
શક્ય છે કે તમને થાઇરોઇડની સમસ્યા હોય. મહિલાઓમાં ૩૦થી ૫૦ વરસ દરમિયાન આ સમસ્યા જોવા મળે છે. આ રોગમાં દરદીને પરસેવો વળે છે, ઊંઘ આવતી નથી તેમજ ભૂખ પણ વધી જાય છે તેમજ વજન પણ ઊતરી જાય છે. આથી તમારે સમય નહીં ગુમાવતા તમારા ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. જેઓ કેટલીક ટેસ્ટ દ્વારા રોગનું નિદાન કરી તમારો ઉપચાર કરશે. આ બાબતે ડૉક્ટરની સલાહ જ આવશ્યક છે અને હું તમને સલાહ આપી શકું તેમ નથી.
હું ૩૦ વરસની છું. મારા લગ્નને સાત વર્ષ થયા છે. અત્યાર સુધી મને ત્રણ વાર કસુવાવડ થઇ છે. આનું કારણ શું હોઇ શકે છે? મને ઘણી ચિંતા થાય છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક બહેન (નડિયાદ)
આ બાબતે ડૉક્ટરને તેમનું કામ કરવા દઇએ એમાં જ ડહાપણ છે. તમારે કોઇ સારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે. આ પાછળ હોર્મોન્સની અસમતુલા જવાબદાર હોઇ શકે છે. ઓવરીના પોલિસિસ્ટીકના રોગીને પણ આ તકલીફનો સામનો કરવો પડે છે. આથી તમારી સમસ્યાના સમાધાન માટે તમે ડૉક્ટરની સલાહ લો એ જ મારી સલાહ છે. ડૉક્ટર જ યોગ્ય ટેસ્ટ અને યોગ્ય ઉપચારથી તમારી સમસ્યા દૂર કરશે જેથી તમને માતા બનવાનું ભાગ્ય પ્રાપ્ત થશે.