હું અને મારી ગર્લફ્રેન્ડ છેલ્લાં ચાર વર્ષથી સાથે છીએ. તેણે અમારી રિલેશનશીપની વાત ઘરમાં કહી દીધી છે અને તેના માતા-પિતાએ મને પહેલીવાર મળવા બોલાવ્યો છે.

GUJARAT

પ્રશ્ન : હું અને મારો સહકાર્યકર એકબીજાને પ્રેમ કરીએ છીએ. મારો સહકાર્યકર ડિવોર્સી છે. અમે આમ તો એકબીજા સાથે ખુશ છીએ પણ ઘણીવાર અજાણતા હું એવું કંઇક કરી નાખું છું કે તે બહુ જ અપસેટ થઇ જાય છે. અમારા સંબંધને ટકાવી રાખવા માટે શું ધ્યાન રાખવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમે જ્યારે કોઇ એવા પુરુષ સાથે પ્રેમસંબંધમાં હો જેના છૂટાછેડા થઈ ગયા છે ત્યારે મામલો વધારે સંવેદનશીલ બની જાય છે. આ પુરુષ સાથે ટકી રહેવા માટે ધીરજની જરૂર હોય છે કારણ કે તે પહેલાથી જ કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલો હોય છે. તે પુરુષ માનસિકરીતે થોડો કંટાળી ગયો હોય છે. જો તમને તે પુરુષના નિષ્ફળ સંબંધ વિશેની જાણકારી હોય તો તેને આ છૂટાછેડા વિશે વધુ સવાલો પૂછવા જોઈએ નહીં.

કારણકે જૂની વાતો યાદ કરીને તે પણ કદાચ વધારે દુ:ખી થઈ શકે છે. આ સિવાય પુરુષની પૂર્વ પત્ની સાથે પોતાની સરખામણી કરવી જોઈએ નહીં. કારણકે આ પ્રકારની સરખામણી કરીને તમને કોઈ ફાયદો થશે નહીં. જે પુરુષના છૂટાછેડા થઈ ગયા છે તેની સાથે ડેટ કરતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેના પૂર્વ પત્ની સાથેના સંબંધો સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયા છે કે નહીં.

તમે આ રિલેશનશિપને આગળ વધારતા પહેલા થોડો સમય લઈ શકો છો. તમે તેની સાથે વાતચીત કરીને એવું જાણવાના પ્રયાસ કરો કે તમારી સાથે તે કેવા પ્રકારના ભવિષ્યની આશા રાખે છે. શું તે તમારી સાથે લગ્ન કરવા માગે છે? આ રિલેશનશિપને લઈને તે કેટલો ગંભીર છે તે જાણવું પણ જરૂરી છે. જો તમે છૂટાછેડા લીધેલા પુરુષને ડેટ કરી રહ્યા છો ત્યારે મિત્રો અને પરિવારનાં સભ્યોની નારાજગી સહન કરવા માટે માનસિકરૂપે તૈયાર રહો કારણ કે તેઓ ખુશ નહીં થાય એ સ્વાભાવિક છે. આખરે તમારું દિલ જે કહે છે તેવું તમારે કરવું જોઈએ.

પ્રશ્ન : હું અને મારી ગર્લફ્રેન્ડ છેલ્લાં ચાર વર્ષથી સાથે છીએ. તેણે અમારી રિલેશનશીપની વાત ઘરમાં કહી દીધી છે અને તેના માતા-પિતાએ મને પહેલીવાર મળવા બોલાવ્યો છે. હું નથી ઇચ્છતો કે તેમના મનમાં મારા વિશે કોઇ ખોટી ઇમેજ ઊભી થાય. મારે તેમને મળતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ? એક યુવક (વડોદરા)

ઉત્તર : જો તમે તમારી રિલેશનશીપ માટે ગંભીર હો અને લગ્ન વિશે વિચારતા હો તો તમે તમારી ગર્લફ્રેન્ડના માતા-પિતા પાસે તમારી ઇમેજ સારી રહે ધ્યાન રાખવા ઇચ્છો એ સ્વાભાવિક છે. વ્યક્તિની પહેલી ઓળખ એના કપડાં આપે છે. આ કારણે એવા કોઈ કપડાં પહેરીને ગર્લફ્રેન્ડના માતા-પિતાને મળવા જવું જોઈએ નહીં કે જેમાં તમે બનાવટી દેખાઓ.

તમે રેગ્યુલર કપડાં પહેરીને પણ જઈ શકો છો. તમે ગર્લફ્રેન્ડના માતા-પિતા માટે તમે ગિફ્ટ પણ લઈ જઈ શકો છો. તમે ગિફ્ટમાં ચોકલેટ અથવા તો ફૂલો પણ લઈ જઈ શકો છો. ગર્લફ્રેન્ડના માતા-પિતાને મળવા જાઓ ત્યારે ફોન સ્વિચ ઓફ કરી દેવો જોઈએ કારણકે જો વારંવાર ફોન અથવા તો મેસેજ આવશે અને તમે તેમાં વ્યસ્ત જોવા મળશો તો તમારી નકારાત્મક છાપ ઉભી થઇ શકે છે.

માટે આ મુલાકાત દરમિયાન ફોન સ્વિચ-ઓફ અથવા તો સાઈલન્ટ કરી દેવો જોઈએ. વાતચીત દરમિયાન જો તમારી ગર્લફ્રેન્ડના માતા-પિતા તમારા પર ગુસ્સો કરે તો પણ તમારે તે સમયે શાંત રહેવું જોઈએ અને તેઓનું સન્માન કરવું જોઈએ. તેઓની સાથે ક્યારેય પણ ખરાબ વ્યવહાર કરવો જોઈએ નહીં. ઘણીવાર ગુસ્સા અને અધિરાઇમાં વાત બગડી જતી હોય છે જેના માટે પાછળથી પસ્તાવો થતો હોય છે.

Leave a Reply

Your email address will not be published.