પ્રશ્ન : મને નોકરીમાં તેમજ ઘરમાં ભારે મેન્ટલ સ્ટ્રેસનો સામનો કરવો પડી રહ્યો છે. આની સામે કઈ રીતે લડી શકું? એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : મેન્ટલ સ્ટ્રેસને ઓછો કરવા માટે યોગથી સારો કોઈ ઉપાય નથી. યોગમાં જ્ઞાન મુદ્રા બતાવવામાં આવી છે. આ મુદ્રાથી મનને શાંતિ મળે છે અને માનસિક તણાવ ઓછો થાય છે. કેટલાક ખાદ્યપદાર્થો પણ શરીરને તાણથી લડવાની શક્તિ આપે છે. સંતરા, દૂધ તથા સુકા મેવામાં પોટેશિયમનું વધારે પ્રમાણ હોય છે જે આપણા મગજને શક્તિ પ્રદાન કરે છે.
બટેટામાં વિટામિન બી વધારે માત્રામાં હોય છે જે આપણને ચિંતા અને ખરાબ મૂડનો મુકાબલો કરવામાં સહાયતા કરે છે. જો માનસિક તાણ રહેતી હોય તો ડુંગળીનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ, કારણ કે ડુંગળીમાં રહેલું એક વિશેષ રસાયણ માનસિક તાણને ઓછી કરવામાં સહાયક છે. તણાવની ક્ષણ જિંદગીમાં આવતી રહે છે. આ સમયે પરિસ્થિતિને જાળવી રાખવી એક પડકાર છે.
નકારાત્મક શૈલી બદલવી. સૂર્યોદયથી પહેલાં પાંચ મિનિટ બંધ આંખોથી સૂર્યનું ધ્યાન ધરવું. આ પ્રયોગ એક અઠવાડિયું કરો. આ કરવાથી તાણથી ઝડપથી મુક્તિ મળશે. જો તમને ઘરમાં અને નોકરીમાં બંને જગ્યાએ મેન્ટલ સ્ટ્રેસનો થતો હોય તો શક્ય છે કે તમારા અભિગમમાં કે પછી પરિસ્થિતિ મૂલવવાની રીતમાં ફેરફાર કરવાની જરૂર હોય. ઘણીવાર દૃષ્ટિકોણમાં નાનકડો ફેરફાર કરવાથી મોટી સમસ્યાઓનો અંત આવી જતો હોય છે.
પ્રશ્ન : હું 40 વર્ષની મહિલા છું અને મેનોપોઝના તબક્કામાંથી પસાર થઇ રહી છું. મને બહુ ગરમી થાય છે અને બીજી સમસ્યાઓ પણ છે. આ તમામ સમસ્યાઓ દૂર કરવા હું શું કરું? એક મહિલા (પાલનપુર)
ઉત્તર : મેનોપોઝના લક્ષણો દરેક દર્દીએ અલગ હોય છે. કેટલીક મહિલાઓમાં માત્ર માસિક ધર્મ બંધ થવા સિવાય અન્ય કોઈ ફેરફાર જોવા મળતાં નથી પરંતુ મોટાભાગની મહિલાઓમાં હોટ ફ્લેશીઝ (ખૂબ જ ગરમીનો અનુભવ થવો), નાઇટ સ્વેટ્સ (રાત્રે અચાનક ખૂબ પરસેવો વળવો), ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી, થાક લાગવો, ઊંઘમાં ખલેલ, ચિંતા અનુભવવી, અકળામણ થવી, યોનિમાં શુષ્કતા તેમજ યુરિનરી સમસ્યાઓ જોવા મળે છે. તમામ લક્ષણો એસ્ટ્રોજનના અભાવના કારણે હોય છે.
મેનોપોઝના લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી જોવા મળે છે. ઠંડા પાણીના ફુવારાથી સ્નાન કરવાથી રાહત થાય છે. વધારે તીખો ખોરાક લેવાનું ટાળવું અને વજન વધારે હોય તો તેને નિયંત્રણમાં કરવું જોઈએ. જો વધુ તકલીફ લાગે તો ચિકિત્સકની સલાહ લેવી જોઈએ. યોનિમાં ચેપ, મેનોપોઝ પછી યોનિની લાઈનિંગ વધુ સંવેદનશીલ બને છે અને પરિણામે તેમાં ચેપ ઝડપથી લાગી શકે છે. જો મહિલાઓને યોનિમાં ખંજવાળ કે ડિસ્ચાર્જની સમસ્યા હોય તેમણે ચિકિત્સકને જણાવવું જોઈએ.