હું 25 વર્ષની યુવતી છું,માસિકના અઠવાડિયા પહેલાં મને એમ લાગે છે કે મારું શરીર બહુ ભારે થઇ ગયું છે

nation

પ્રશ્ન : હું એક યુવાનને પ્રેમ કરું છું, પણ એની સગાઇ થોડા દિવસમાં થવાની છે. હવે એને મારી લાગણીનો ખ્યાલ આવ્યો હોવાથી એ કહે છે કે એ પોતાની સગાઇ જે યુવતી સાથે નક્કી કરી છે, તેને ના કહીને મારી સાથે સગાઇ કરવાનું કહે છે. હું એની સાથે સગાઇ કરું તો કોઇ સમસ્યા થાય ખરી? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમે જે યુવાનને પ્રેમ કરો છે, તેની સગાઇ જો થોડા દિવસમાં થવાની હોય અને હવે એ જેની સાથે સગાઇ નક્કી થઇ છે એ યુવતીને બદલે તમારી સાથે સગાઇ કરવાની વાત કરે છે. કાલે કદાચ બીજી કોઇ તમારાથી સારી યુવતી એને મળશે તો એ તમારી સાથેની સગાઇ તોડી નહીં નાખે એની કોઇ ખાતરી ખરી? જો તમારો પ્રેમી વારંવાર પોતાનું વલણ અને પસંદગી બદલાવતો હોય તો એ સમજી જવાની જરૂર છે કે એ ચંચળ વ્યક્તિત્વ ધરાવે છે.

આ પ્રકારનું ચંચળ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ જો વફાદાર સાબિત થાય તો કોઇ પ્રશ્ન નથી પણ તેની પસંદગી વારંવાર બદલાતી રહે એવી શક્યતા વધારે હોય છે. જો તમે ખરેખર જ એ યુવાનને પ્રેમ કરતાં હો, તો હવે જેની સાથે એની સગાઇ થવાની છે, તેની સાથે જ સગાઇ થવા દો. પ્રેમમાં જરૂરી નથી કે પ્રિયપાત્રને પામવું. તમે એ યુવાનને પ્રેમ કરો છો, પણ શક્ય છે કે તમને એનાથી પણ વધારે પ્રેમ કરનારું કોઇ પાત્ર મળી જાય અને તમે એ યુવાનને ભૂલી જાવ એવું બનવાજોગ છે.

માટે એને કહો કે એ જેની સાથે સગાઇ થવાની છે, તેની સાથે લગ્ન કરીને સુખી જીવન જીવે. સમય દરેક સમસ્યાનો ઉકેલ લઇને આવે છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમારી આ પ્રેમની લાગણી થોડી ઓછી થતી જશે. તમને આ સલાહ બહુ પ્રેક્ટિકલ લાગશે પણ તમારા અત્યારના સંજોગોને ધ્યાનમાં લેવામાં આવે તો તમારા માટે આ જ સલાહ યોગ્ય છે. તમે પણ તમારાં માતા-પિતાને કહો કે તેઓ તમારા માટે કોઇ સારું પાત્ર શોધે અને માતા-પિતાએ શોધેલા પાત્ર સાથે લગ્ન કરીને સુખેથી દાંપત્યજીવનનો આનંદ માણો એ તમારા અને એ યુવાન માટે વધુ હિતાવહ છે.

પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું. મને આમ તો કોઇ સમસ્યા નથી પણ માસિકના અઠવાડિયા પહેલાં મને એમ લાગે છે કે મારું શરીર બહુ ભારે થઇ ગયું છે. મને કોઇ મોટી બીમારી તો નહીં હોય ને? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : માસિક આવતાં પહેલાં સ્ત્રીને શરીરમાં થતાં પરિવર્તનો પરેશાન કરતાં હોય છે. આને પ્રીમેન્સ્ટ્રુઅલ સીન્ડ્રોમ (PMS) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન શરીરનું વજન વધી ગયેલું લાગે છે અને સ્વભાવ પણ ચીડિયો થઇ જાય છે. પ્રીમેન્ટ્રુઅલ ફેરફાર થવાને કારણે શરીરમાં પાણીનો ભરાવો થયેલો રહે છે. માસિકના એકાદ અઠવાડિયાં પહેલાંથી જ શરીર ભારે લાગવા માંડે છે.

આનું કારણ શરીરમાં થતા હોર્મોન્સના ફેરફાર છે. શરીરમાં અમુક પ્રકારના વિટામિનની ખામી અથવા ઊણપ હોય તો પણ વધુ તકલીફ પડતી હોય છે. જો વધારે પડતું મીઠું ખાવાની ટેવ હોય તો પણ પીએમએસના લક્ષણો વધુ જોવા મળતાં હોય છે. રોજિંદી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને પણ આ સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે. આ સંજોગોમાં જે પ્રમાણે સમય મળે તે પ્રમાણે કસરત કરવાની શરૂ કરી શકાય છે.

યોગ અથવા એરોબિક્સ પણ કરી શકાય છે. રોજિંદા ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું કરવાથી પીએમએસની સમસ્યા અને ખાસ કરીને વોટર રીટેન્શન ઓછું રહે છે.રોટલી, ભાખરી, ભાત વગેરેમાં મીઠું નાખવું નહીં. માસિકના અઠવાડિયાં પહેલાં રોજના બેથી ત્રણ ફળ ખાવ. આહારમાં બને એટલા જાડા લોટનો ઉપયોગ કરો. દિવસમાં દસ-બાર ગ્લાસ પાણી પીઓ. તળેલા, ગળ્યા અને જંકફૂડથી દૂર રહો. આટલું કરવાથી તમારી સમસ્યા હળવી બનશે.

Leave a Reply

Your email address will not be published.