પ્રશ્ન : હું 24 વર્ષની પરિણીત સ્ત્રી છું. મારે એક બાળક છે. થોડા સમય પહેલાં મેં ગર્ભપાત કરાવેલો હતો. ત્યારબાદ હવે અમે જ્યારે જાતીય સંબંધ રાખીએ છીએ ત્યારે મારા પેટમાં સખત દુખાવો ઊપડે છે. ડોક્ટર એમ કહે છે કે આ તમને માનસિક દુખાવો છે,
પણ ગર્ભપાત પહેલાં મને આવો દુખાવો ક્યારેય થયો નથી. મને આવું કેમ થતું હશે? જવાબ જેમ બને તેમ જલદી આપવા વિનંતી. ખૂબ જ મૂંઝવણમાં છું. પતિ પણ શક કરે છે. એક મહિલા (વડોદરા)
ઉત્તર : ઘણી વખત ગર્ભપાત પછી પેઢુમાં સોજાની તકલીફ જોવા મળે છે. આને પી. આઈ. ડી. એટલે કે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ કહે છે. આનું નિદાન ગર્ભાશયની દુરબીન તપાસ દ્વારા થઈ શકે છે. ઘણીવાર પેશાબની જગ્યાએ ઇન્ફેક્શન-ચેપ લાગવાથી પણ સમાગમ વખતે પીડા અનુભવાય છે.
જો આપ બાળક ન જ ઇચ્છતા હો તો ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરો કારણ કે એક ગર્ભપાતમાં સ્ત્રીને ચાર નોર્મલ ડિલિવરી જેટલું શારીરિક તેમજ માનસિક કષ્ટ ભોગવવું પડે છે. આપ કોઈપણ સ્ત્રીરોગ નિષ્ણાત પાસે તપાસ કરાવી લો. તેઓ આપને યોગ્ય નિદાન કરી સારવાર આપશે. આ મામલે મૂંઝાવાની જરૂર નથી. પતિ સાથે ખુલ્લા મને આની ચર્ચા કરો. તેઓ ચોક્કસ તમારી તકલીફ સમજશે.
પ્રશ્ન : મારા લગ્નને પાંચ વર્ષ થઇ ગયા છે. પહેલાં બે વર્ષ તો અમારી વચ્ચે સારી એવી ઇન્ટિમસી હતી પણ છેલ્લા ત્રણ વર્ષથી અમારા સંબંધો બીબાંઢાળ થઇ ગયા છે. અમે બંને વર્કિંગ છીએ અને અમે રાત્રે જ એકબીજાની સાથે હોઇએ છીએ. મારી પત્ની આ સમય મારી સાથે ગાળવાને બદલે પોતાના ફોનમાં વ્યસ્ત હોય છે. શું હવે મારી પત્નીને મારામાં રસ નથી રહ્યો અને તેનું બીજા કોઇ સાથે અફેર ચાલી રહ્યું છે? એક યુવક (અમદાવાદ)
ઉત્તર : એ વાત સાચી છે કે ફોન દરેક વ્યક્તિનાં જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. જો તમારી પત્ની સતત પોતાના ફોનમાં વ્યસ્ત હોય એનો મતલબ એમ પણ હોઇ શકે કે તમારી પત્નીને તમારા કરતા ફોન વધારે રસપ્રદ લાગે છે. હવે તમારી પત્નીને આવું કેમ લાગે છે એ માટે તમારે તમારું વર્તન, જીવનશૈલી, તમારી પત્નીનું વર્તન, તેની જીવનશૈલી અને એકબીજા સાથેની કેમિસ્ટ્રીનું ઝીણવટથી અવલોકન કરીને એના પર ધ્યાન આપવાની જરૂર છે.
રાત્રે પતિ એ પત્ની એકબીજા સાથે ક્વોલિટી સમય ગાળે તો તેમની વચ્ચે ઇમોશનલ બોન્ડ મજબૂત બને છે અને આ સમયગાળા દરમિયાન તેઓ શારીરિક રીતે એકબીજાની નિકટ આવે છે. આ રીતે તેઓ એકબીજા સાથે બહુ સારી રીતે કનેક્ટ થઇ શકે છે. જો બંનેમાંથી એક પાર્ટનરને રાતના સમયે મોડી સુધી ફોન જોવાની આદત હોય તો ચોક્કસપણે તેમના સંબંધો પર પણ આ વાતની અસર પડી શકે છે.
આવા વર્તનને કારણે બીજો પાર્ટનર ઉદાસ અને નિરાશ થાય છે અને લગ્નજીવનનો સ્પાર્ક ઘટી જાય છેે. જ્યાં સુધી તમારી વાત છે ત્યાં સુધી તમારી આ સમસ્યા પત્ની સાથે સ્પષ્ટ શબ્દોમાં શેર કરો. જો તમારી પત્ની તમારી લાગણીની કદર કરતી હશે તો એ ચોક્કસ મુદ્દો સમજશે.
પ્રશ્ન : હું 23 વર્ષનો યુવક છું. મારી સમસ્યા એ છે કે હું બહુ જ શરમાળ છું અને મને લોકો સાથે અને ખાસ કરીને છોકરીઓ સાથે સંવાદ સાધવામાં બહુ સમય લાગે છે. મારી આ સ્વભાવગત મર્યાદાને કારણે મને નોકરીના સ્થળે પણ તકલીફ પડે છે. આ કારણે હું મિત્રો પણ નથી બનાવી શક્યો. મારી આ સમસ્યા દૂર કરવા માટે મારે શું કરવું જોઇએ? એક યુવક (સુરત)
ઉત્તર : આ આખી પરિસ્થિતિમાં સૌથી સારી વાત એ છે કે તમે તમારી મર્યાદાથી સારી રીતે માહિતગાર છો. જ્યારે વ્યક્તિ પોતાની મર્યાદાને સારી રીતે સમજતી હોય છે ત્યારે એમાંથી નીકળવાનું કારણ સરળ થઇ જાય છે. આ સમસ્યા દૂર કરવા તમારે જ પ્રયાસો કરવા પડશે. જો તમે છોકરીઓ સાથે વાત કરવામાં વિશેષ શરમ અને સંકોચ અનુભવતા હો તો એ માટે તમારી માનસિકતા અને કેટલાક અંશે ઉછેર જવાબદાર હોઇ શકે છે.
છોકરો કે છોકરી ટીનએજમાં પ્રવેશ કરે એ પછી ઘણા કિસ્સાઓમાં પેરેન્ટ્સ તેમને વિજાતીય મિત્ર હોય તો ટોકે છે અને વાતચીત કરતા રોકે છે. આના કારણે લાંબા ગાળે મનમાં એક ગ્રંથિ બંધાઇ જાય છે અને યુવાન થયા પછી પણ તેઓ વિજાતીય પાત્ર સાથે સ્વસ્થતાપૂર્વક સંવાદ નથી સાધી શકતા. જો તમારા મનમાં પણ આવી કોઇ ગ્રંથિ હોય તો દૂર કરો. તમારી સમસ્યાના ઉકેલ માટે કોઈ દવા નથી પણ સ્વભાવમાં બદલાવ કરવાના સતત પ્રયાસો જ એકમાત્ર વિકલ્પ છે. તમે નિયમિત રીતે મિત્રો સાથે વાતચીત કરો. ધીરે ધીરે તમારો સંકોચ દૂર થશે.