હે ભગવાન! સુરતમાં દર્દીને લઈ જતા સમયે પ્રાઈવેટ એમ્બ્યુલન્સ ચાલકે ભાભી-નણંદની બિભત્સ છેડછાડ કરી

GUJARAT

છેલ્લા કેટલાક સમયથી ડાયમન્ડ નગરી સુરત તેના કાળા કામોને કારણે સતત સમાચારોમાં ચમકી રહી. સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં સુરતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ સામેના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે.

ઘર હોય કે બહાર મહિલાઓની છેડતી, દુષ્કર્મ અને હત્યાના ગુના વધી રહ્યા છે. ત્યારે હવે દર્દીને લઈ જવાની એમ્બ્યુલન્સ પણ જો મહિલાઓ માટે સલામત ન હોય તો પછી કઈ જગ્યા સુરક્ષિત બચી છે તે મોટો પ્રશ્ન છે.

નવી સિવિલ હોસ્પિટલમાંથી ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા દર્દી અને તેના પરિવારને લઇને જઇ રહેલા પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ચાલકે નણંદ-ભાભી સાથે બિભત્સ હરકતો કરતા મામલો જિલ્લાના કીમ પોલીસ સ્ટેશન અને ત્યાર બાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામમાં રહેતી કંચન (ઉ.વ. 25 નામ બદલ્યું છે) ના સાસુ બિમાર હોવાથી ગત રોજ સવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં ગત રાત્રે રજા આપવામાં આવતા સિવિલ હોસ્પિટલમાંથી સાસુને ઘરે લઇ જવા માટે રૂ. 1500 ભાડુ નક્કી કરી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ નં. જીજે-5 બીએક્સ-6879 માં ઘરે લઇ જઇ રહ્યા હતા.

આ દરમિયાન કંચનનો પતિ માતાનું ધ્યાન રાખવા માટે પોતાની બહેન સાથે એમ્બ્યુલન્સમાં પાછળ બેઠો હતો જ્યારે કંચન ડ્રાઇવરની બાજુની સીટ પર આગળ બેઠી હતી. દરમિયાનમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એમ્બ્યુલન્સ બહાર નીકળી અને મજૂરા ગેટ ફ્લાય ઓવર બ્રિજ પરથી પસાર થઇ રહી હતી ત્યારે ડિંડોલી રોડ પર રહેનાર એમ્બ્યુલન્સના ચાલક મુકેશગીરી ભીખુગીરી (ઉ.વ. 40) એ અચાનક જ કંચનના સાથળ પર હાથ મુકી દીધો હતો. જેથી ચોંકી ગયેલી કંચને તુરંત જ પતિને જાણ કરી હતી.

જેથી પતિએ કંચનને એમ્બ્યુલન્સની પાછળના ભાગે બેસવા બોલાવી લીધી હતી. ત્યાર બાદ એમ્બ્યુલન્સ કંચનના ગામ નજીક પહોંચી ત્યારે ડ્રાઇવર મુકેશગીરીએ કંચનની નણંદ વૈશાલી (ઉ.વ. 20 નામ બદલ્યું છે) ના કમર પર હાથ ફેરવી બિભત્સ હરકતો કરી હતી. જેથી કંચન અને તેના પરિજનોએ મુકેશગીરીને માર મારી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા જિલ્લાની કીમ પોલીસ દોડી ગઇ હતી અને મુકેશગીરીને ડિટેઇન કરી ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *