પત્ની જે રીતે તેના પતિને તેના ભાવતાં ભોજન વિશે પૂછીને તેને મનગમતું બનાવી પીરસીને જમાડવામાં આનંદ મેળવે છે તેવી જ રીતે સંબંધ બાંધવામાં પતિને શું પસંદ છે, તે પણ સહજતાથી પૂછી જ શકે છે. એ જ રીતે જેમ પતિ પોતાની પત્નીને કોઇ સાડી કે અન્ય વસ્તુની ભેટ આપતી વખતે તેને ગમવી જોઇએ તેનું ધ્યાન રાખે છે, ત્યારે સમાગમ દરમિયાન પત્નીને શું ગમશે અને તેને કઇ રીતે સંતુષ્ટ કરી શકાય,
તેની વિશે પણ વિચારીને તેની સાથે મુક્ત મને ચર્ચા કરવી જોઇએ. આવી ચર્ચા કરવામાં પતિ-પત્નીએ ક્યારેય શરમ-સંકોચ રાખવા જોઇએ નહીં. આ ચર્ચા જ તેમને વધારે નજીક લાવશે અને તેમના સંબંધને વધારે મજબૂત બનાવશે. આપણા જીવનમાં આપણે મનગમતી અને પસંદ પડે તેવી વસ્તુઓ, વ્યક્તિઓ સાથે સંબંધ રાખીયે છીએ, તો આ તો શરીરની જરૂરિયાતની વાત છે.
એને પોતાના પતિ કે પત્ની પાસે પસંદગીથી મેળવવામાં ખચકાટ થવો જોઇએ નહીં. આપણે પણ જાણીયે છીએ કે ઘણીવાર આ પ્રકારની વાતચીતને ખોટી રીતે પણ લેવામાં આવતી હોય છે.
પતિને જો આવા વિષય પર પત્ની સાથે ચર્ચા કરવાનું પસંદ ન હોય તો પત્ની દ્વારા કરવામાં આવતી તેની આ પ્રકારની વાતચીત તેને નકામી અને વાહિયાત લાગે છે. બીજી તરફ ધાર્મિક કે શરમાળ પત્ની સાથે પતિ પણ આ પ્રકારની ખુલ્લા મને ચર્ચા કરી શકતો નથી. આવા સમયે બંનેએ વિચારવું જોઇએ કે પતિ પત્નીનો સંબંધ એકબીજાને તન-મનથી જોડવા અને સંતુષ્ટ કરવા માટેનો છે. તેમાં પછી શરમ, સંકોચ કે છોછ જેવી બાબતો વચ્ચે ન આવવી જોઇએ.
જેટલી નિખાલસતાથી વાતચીત અને ચર્ચા થશે તેટલી એ બંને માટે સુખી તેમજ સંતોષકારક સાબિત થશે. જેમ જીવનના દરેક પાસાંનું સમાધાન બંને સાથે મળીને કરતા હો છો, તો એકબીજાને શારીરિક રીતે સંતોષ આપનારા પાસાંની પણ સાથે બેસીને ચર્ચા કરવી જરૂરી છે. જ્યારે આ પ્રકારની ચર્ચા તમે એકબીજા સાથે કરતા હો તો તમને એકબીજા પ્રત્યે કામેચ્છા વધે છે. તેનાથી બંનેને એકબીજાના શરીરની સાથે માનસિકતાનો પરિચય પણ થાય છે અને કામક્રિડામાં શું પસંદ છે તે ખબર હોવાથી તેનો પૂરતો આનંદ માણી શકાય છે.
પતિ-પત્ની તેમના જીવન સાથે જોડાયેલ દરેક પાસાંની ચર્ચા એકબીજા સાથે કરે છે. સમાગમ તે પણ તેમને જોડતું અગત્યનું જ પાસું છે, તેથી તેની પણ ચર્ચા જરૂરથી કરવી જોઇએ. પતિ ચર્ચા કરે કે પત્ની ચર્ચા કરે તો તેના વિશે ક્યારેય મનમાં ખોટી શંકા લાવવી નહીં. મનની ઇચ્છાને દબાવશો તો તે પ્રબળ બને છે અને તે ખોટી દિશામાં પણ પૂરી કરવા માટે ભટકી શકે છે. મોટાભાગના લગ્નબાહ્યેત્તર સંબંધો હોવાનું મૂળભૂત કારણ આ જ હોય છે.