હવામાન વિભાગની આગાહી: ગુજરાતમા આગામી 5 દિવસ ક્યાં કેવું રહેશે વરસાદી માહોલ? હજુ સારા વરસાદ માટે…

GUJARAT

આગામી 5 દિવસ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી પરંતુ આજે એટલે બીજી ઓગસ્ટે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર રહી શકે છે. દક્ષિણ ગુજરાતના લોકોએ સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડે તેવી નોબત છે, કેમ કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ 35 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવા સાથે છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.

સોમવારથી ચાલુ થતાં નવા સપ્તાહમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે, પરંતુ ભારે વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ એક્ટિવ નહીં હોવાથી હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડશે. બીજી તરફ ઉકાઇ ડેમની સપાટી 325.41 ફૂટે પહોંચી ગઇ છે. જ્યારે ડેમમાં ફરીથી પાણીની આવક વધી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. રવિવારે 58 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો જ્યારે માત્ર 3 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 35.48 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં જુલાઈ મહિના દરમિયાન સરેરાશ 6.92 ઈંચ વરસાદ રાજ્યમાં થયો છે.

છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા સંતાકૂકડીની રમત રમી રહ્યા છે. ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડે તેવા કાળાડિબાંગ વાદળો વહેલી સવારથી છવાઇ છે, પરંતુ ક્યાંય પણ વરસાદ પડતો નથી. આખા દિવસમાં છૂટાછવાયા વિસ્તારમાં હાજરી પુરાવા પૂરતો ઝરઝર વરસાદ પડી રહ્યો છે. હવે તો લોકો પણ વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની જમાવટ થયા બાદ હવે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી બીજી અને ત્રીજી ઓગસ્ટે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જોકે, સુરતીઓએ હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે, કેમ કે આગામી પાંચ દિવસ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસ 20થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. પરંતુ ધોધમાર વરસાદ નહીં પડે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ નજીવો

આ ઉપરાંત રવિવારે ઉકાઇ ડેમમાં પાણીની આવક વધીને 13,697 ક્યુસેક થતાં ડેમમાં પાણીની સપાટીમાં નજીવો વધારો થયો હતો. રવિવારે સાંજે 7 વાગ્યે ડેમની સપાટી 325.41 ફૂટ નોંધાઇ હતી. તેવી જ રીતે હથનુરની સપાટી 209 મીટર અને 5945 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું હતું. ઉકાઇના ઉપરવાસમાં વરસાદ પડતાં ડેમમાં ધીમી ધારે પાણીની આવક ફરીથી ચાલુ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *