હવામાન ખાતાએ ઠંડીને લઇ કરી આ મોટી આગાહી…જાણી લો તમે પણ

GUJARAT

શિયાળાની ઋતુ પહેલાંની ગુલાબી ઠંડી હવે ધીમે ધીમે ચમકારાનું સ્વરૃપ લઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ અત્યંત અનુભવાઈ રહ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના નગરજનો રાત્રિની તીવ્ર ઠંડીનાચમકારાથી રીતસર ધ્રુજી ઉઠયા હતા. અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી આસપાસ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

હવામાન ખાતાની આગાહી મુજબ હાલમાં ઉત્તર-પૂર્વીય પવનના કારણે ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. દિવસે મહત્તમ તાપમાન ધીમે ધીમે ઘટી રહ્યું છે અને રાત્રિના ઠંડી વધી રહી છે. અંધારું ઢળતા જ ઠંડીનો માહોલ શરૃ થઈ જાય છે. જેમ જેમ રાત આગળ ધપતી જાય છે તેમ તેમ ઠંડીનો પ્રભાવ વધતો જ જાય છે. લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી આસપાસ રહેતું હતું તે ઘટીને ૧૫ ડિગ્રીએ પહોંચવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. દિવાળીના દિવસોમાં ગુલાબી ઠંડીથી વધુ કહી શકાય તેવો ચમકારો અનુભવાશે તે નિશ્ચિત છે.

રાત્રિના નોકરી પુરીને ઘરે જતા હોય તેવા કર્મચારીઓ ઠંડીનો વિશેષ અનુભવ કરી રહ્યાં છે. હવે કબાટમાં ઘડી કરીને સાચવી રાખેલા ગરમ કપડાં બહાર નીકળી રહ્યાં છે. ટૂંક સમયમાં શહેરીજનો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોમાં ફરતા જોવા મળશે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી ચાર થી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ ૨૪ કલાક સુધી કોઈ ફેરફાર નહીં થાય. ત્યારબાદ સામાન્ય ફેરફાર જોવા મળશે.

હવામાન ખાતાના અધિકારી મનોરમા મોહંતીએ પણ જણાવ્યું કે હવે ઠંડીની શરૃઆત થઈ ગઈ છે. સામાન્ય વધ-ઘટ રહેશે પરંતુ હવે ગરમી નહીં પડે. ઠંડી ધીમે ધીમે વધતી જશે.

અમદાવાદનું મહત્તમ તાપમાન આજે ૩૪ ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયું હતું. આકાશ ચોખ્ખું રહેશે. રાજ્યભરમાં વાતાવરણ સુક્કું રહેશે.

Leave a Reply

Your email address will not be published.