હાય રે કળિયુગ!, હવે તો બંધ કરો આ ખેલ, કોરોના નેગેટિવ ડેડબોડી 10 કિ.મી. દૂર સ્મશાને પહોંચાડવાના 5 હજાર

Uncategorized

સિવિલ ૧૨૦૦ બેડ ડેડબોડી વિભાગમાંથી કોરોના નેગેટિવ દર્દીના મૃતદેહના નિકાલ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા જે તે દર્દીના સગાએ જાતે કરવાની હોય છે, જોકે ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે, સોમવારે સિવિલ કેમ્પસથી ઓઢવ સ્મશાન ગૃહ એટલે કે ૧૦ કિલો મીટરનું ભાડું પાંચ હજાર સિવાય કોઈ લઈ જવા તૈયાર નહોતા, જોકે સિવિલ કેમ્પસમાં ખાનગી સંચાલકોની આ લૂંટ સામે મૃતકોના સગાઓએ હોબાળો મચાવ્યો હતો અને આ પ્રકારની લૂંટ સરકાર બંધ કરાવે તેવી વિનંતી કરી હતી. એટલું જ નહિ પરંતુ દર્દીના સગાએ મોત અંગે મોડે મોડે જાણ કરાઈ હોવાની પણ હૈયાવરાળ ઠાલવી હતી.

ઓઢવ ખાતે રહેતાં સુનંદાબહેન દલવીનું સોમવારે સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું હતું. દર્દીના સગાં મનોજ પંચાલે જણાવ્યું હતું કે, સુનંદાબહેનને શુક્રવારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયા હતા, ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો ત્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવાયું હતું.

સિવિલ જવા માટે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ ૧૦૮ છેક ૧૨ કલાક પછી આવી હતી, દર્દીનું ઓક્સિજન લેવલ ૮૫ થઈ ગયું હતું. સિવિલમાં બે દિવસ સારવાર ચાલી ત્યારે હોસ્પિટલ તંત્ર તરફથી અમને કહેવાયું હતું કે, તબીયત સુધારા પર છે, વેન્ટિલેટર હટાવી દેવાયું છે.

જોકે સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે અચાનક દર્દીનું મોત થયાની જાણ કરાય છે, ૧૨.૩૦ વાગ્યે હોસ્પિટલ ફોન કરીને જાણ કરે તે પહેલાં થોડા સમય પહેલાં જ જ્યારે પરિવારે સામે ચાલીને ફોન કર્યો હતો ત્યારે હોસ્પિટલે મૃત્યુ થયાની જાણ કરી નહોતી, આમ દર્દીના સગાએ મોતની જાણ મોડી કરાતી હોવા મુદ્દે સવાલો ઊભા કર્યા હતા.

એટલું જ નહિ પરંતુ દર્દીનો મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે નેગેટિવ બતાવાયું હતું. ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકોની ઉઘાડી લૂંટ સામે બળાપો કાઢતાં સગાઓએ કહ્યું હતું કે, આવા લોકોને જીવડા પડશે, સરકાર પણ કેમ કોઈ પગલાં લેતી નથી, પાંચ દસ કિલો મીટર દૂર જવા માટે એમ્બ્યુલન્સ કઈ રીતે પાંચ હજાર વસૂલી શકે? આ ઉપરાંત એક કલાક વેઈટિંગના ૫૦૦ રૂપિયા ચાર્જ વસૂલાઈ રહ્યું છે. અંતે આ સગાઓએ જાતે વાનની વ્યવસ્થા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *