હરિધામ-સોખડા મંદિર વિવાદ: વડોદરા પોલીસે સેવકો પાસે પુરાવા માંગ્યા

nation

સુરતના બે સેવકોની અરજી સંદર્ભમાં વડોદરા તાલુકા પોલીસ પ્રેમસ્વરૂપ સ્વામી, જ્ઞાનસ્વરૂપ, સરલસ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, જયંત દવે અને અન્ય ચાર વ્યક્તિઓની પૂછપરછ કરશે. વડોદરા તાલુકા પોલીસે ગઈકાલે સુરતના બંને સેવકોના અરજી સંદર્ભે જવાબ લીધાં હતાં. હવે પોલીસ પ્રેમસ્વરૂપ સ્વામી, જ્ઞાનસ્વરૂપ સ્વામી, સરલસ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, જયંત દવે, પ્રણય, બંટી, શ્રેયસ અને પિન્ટુની પૂછપરછ કરશે.

અગાઉ બે અજાણ્યા શખસોએ જીવલેણ હુમલો કર્યો

આ અરજી સંદર્ભે વડોદરા તાલુકા પીએસઆઇ વી.જી.લાબંરિયાએ જણાવ્યું હતું કે, સેવકો પાસે પોલીસે પુરાવા માંગ્યા છે. અરજી સંદર્ભે સંતોના જવાબ લેવાશે અને તેઓ પાસે પણ કોઇ પુરાવા હોય તો માંગવામાં આવશે. સુરતના બે સેવકોએ પોલીસે હજુ સુધી કોઇ પુરાવા આપ્યા નથી. બીજી તરફ, સુરતમાં પ્રબોધસ્વામીના ટેકેદાર સુરેશ વાઢેળ પર થોડા દિવસ અગાઉ બે અજાણ્યા શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો.

સુરત પોલીસે ઈજાગ્રસ્ત સુરેશ વાઢેળનું પણ નિવેદન લીધું

સુરતની ઉધના પોલીસે અજાણ્યા શખસો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. સુરેશ વાઢેળે ફરિયાદમાં વડોદરાના દવે અને પ્રવિણ વાઘેલાના નામનો ઉલ્લેખ કર્યો હતો. સુરત પોલીસ પ્રવિણ વાઘેલા સુધી પહોંચી છે. પ્રવિણ વાઘેલા હરિભક્ત છે અને તે સુરતના કતાર ગામે રહે છે. સુરત પોલીસે પ્રવિણ વાઘેલાની પૂછપરછ કરી છે. પ્રવિણ વાઘેલાએ સેવક સત્સંગી સુરેશ વાઢેળ પર હુમલાથી કોઇ લેવા દેવા ન હોવાનું પોલીસને કહયું હતું. ઘટના બની ત્યારે પ્રવિણ સ્થળ પર હાજર ન હતો. અજાણ્યા હુમલાખોરોએ સુરેશ વાઢેળને ધમકીભર્યા ફોનમાં તેનું નામ કેમ આપ્યું ? તે અંગે પણ પ્રવિણને માહિતી નથી. ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસે ઈજાગ્રસ્ત સુરેશ વાઢેળનું પણ નિવેદન લીધું હતું.

બાકરોલમાં શ્રીઠાકોરજીની પૂજા કરી થાળ ધરાવાયો

બાકરોલ ખાતેના શિખરબદ્ધ મંદિરમાં શનિવારે સવારે પ્રબોધસ્વામી, સંતો, સહિષ્ણુઓ, સત્સંગીઓ અને ભાવિક ભક્તોએ શ્રીઠાકોરજીની સમુહ પૂજા કરી હતી. જે આધ્યાત્મિક માહોલને વિશ્વભરના 3500 સત્સંગીઓએ ઓનલાઇન નિહાળ્યો હતો. ગુરૂકુળ વિદ્યાલય ખાતે આવતીકાલે પ્રબોધસ્વામી જૂથ દ્વારા સભાનું આયોજન કરાયું છે. હરિધામથી છૂટા પડયા બાદ પ્રબોધસ્વામી જૂથે સભા કરવાનું શરૂ કર્યું છે. આવતીકાલની સભામાં મોટી સંખ્યામાં સત્સંગી એકત્ર થશે.ઉપરાંત બાકરોલમાં 23 મેના રોજ બ્રહ્મલીન પૂ.હરિપ્રસાદ સ્વામીના જન્મદિનની ભવ્ય ઉજવણી કરશે તેવું ચર્ચાઇ રહયું છે.

Leave a Reply

Your email address will not be published.