‘હમને ઘર છોડા હૈ..!’ સુરતથી ગુમ યુવતી અને ખંડણી માંગનાર તેનો પ્રેમી દિલ્હીથી ઝડપાયા

GUJARAT

સુરતના વરાછા વિસ્તારમાંથી ગુમ થયેલી CAની વિદ્યાર્થીનિ ભેદી રીતે ગુમ થયા બાદ તેના પિતા પર અજાણ્યા નંબરો પરથી ફોન કરીને 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં વરાછા પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. જો કે આખરે સુરત SOGની ટીમે યુવતી અને તેના પ્રેમીને દિલ્હીથી પકડીને તેઓને સુરત લઈ આવી છે. આ ઘટનામાં CAની વિદ્યાર્થીની એવી યુવતી જ તેના પ્રેમી પાસે ખંડણી માટે ફોન કરાવતી હોવાનો ખુલાસો થયો છે.

છોકરી જીવતી જોઈતી હોય, તો 10 લાખ રૂપિયા લઈને આવો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલ ડાહ્યા પાર્ક સોસાયટીમાં રહેતા અને હીરાના કારખાનામાં કામ કરતાં 45 વર્ષીય મેનેજરની 2 પુત્રીઓ પૈકી 20 વર્ષીય પુત્રી ગત તા.૨૮મી જુલાઇએ સાંજે બુક લેવાનું કહીને ઘરેથી ગયા બાદ અજાણ્યા નંબર પરથી લાખાભાઇને કોલ આવ્યો હતો.

કોલ કરનારે ‘છોકરી જોઇતી હોય, તો 10 લાખ રૂપિયા લઇને આવો’ એમ કહીં ફોન કટ કરી નાંખ્યો હતો. આવી રીતે ત્રણેક વખત ધમકીભર્યા કોલ આવ્યા બાદ ફોન બંધ થઇ ગયો હતો. બીજી તરફ અપહ્યત યુવતીનો ફોન ઘરેથી ફોર્મેટ કરેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. CAનો અભ્યાસ કરતી આ યુવતીનો મિત્ર આકાશ રાજકુમાર ખટીક પણ ગુમ હોઇ, તે તેનાં બૉયફ્રેન્ડ સાથે ફરાર થઈ હોવાની પોલીસની આશંકા સાચી પડી હતી. બન્ને જણાં મોપેડ પર સાથે જતાં CCTVમાં કેદ થઈ ગયા હતા.

પોલીસથી બચવા માટે યુ-ટ્યૂબ પર નુસખા શોધ્યા
સુરત SOGની ટીમે આ બન્નેને આગ્રા ટોલનાકા પાસે એક ટ્રાવેલ્સ બસને આંતરી ઝડપી લીધા હતા. યુવતી અને આકાશ બંને ત્રણ વર્ષથી ગળાડૂબ પ્રેમમાં હતા. જોકે બંનેના પરિવારો સંબંધ નહી સ્વીકારતાં લગ્ન કરવાના ઇરાદે તેઓ ઘર છોડીને ભાગ્યા હતા. ઘર છોડતી વખતે તેઓએ ઇરાદાપૂર્વક ખંડણીનો કોલ કર્યો હતો. જેથી તેઓને ગેરમાર્ગે દોરીને બંને દૂર ભાગી શકે.

પ્રેમીએ જ્યારે યુવતીના પિતાને ફોન કર્યો, ત્યારે આ યુવતી પણ ત્યાંજ હતી. ઘરેથી ભાગતા પહેલા પોલીસથી બચવા માટે તેઓએ યુ-ટ્યૂબ પરથી નુસખાઓ શોધી કાઢ્યા હતા. આ માટે તેઓએ નવું સીમકાર્ડ પણ મિત્રના નામે ખરીદી લીધુ હતું અને નોકિયાના નાના ફોનમાં GPS ના હોવાથી તેમણે તે ફોન ખરીદ્યો હતો. પોલીસ પોતાના સુધી ના પહોંચે તે માટે તેઓ કોઇ પણ સ્થળે 12 કલાક કરતાં વધુ રોકાતા ન હતા. પોલીસથી બચવા માટે સતત લાંબા રૂટની બસમાં પ્રવાસ કરતા રહેતા હતા.

પોલીસથી બચવા આ બંને પ્રેમી પંખીડા પહેલ બોમ્બે માર્કેટ પાસેથી ઉપડતી ટ્રાવેલ્સની બસમાં બેસી ચિત્તોડગઢ ગયા હતા. જ્યાંથી મંદસૌર, ઇન્દોર અને આગ્રા થઇ દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં રોકાયા બાદ પરત ઇન્દોર આવી ગોવા જવા માંગતા હતા, ત્યારે પોલીસે તેઓને ઝડપી લીધા હતા. ગોવાથી પરત રાજસ્થાનમાં આવી સ્થાયી થવા માગતા હતા. બંનેએ મૈત્રી કરાર પણ કરી લીધા હોવાનું જણાવ્યું હતું. જોકે હાલ બંને પ્રેમી પંખીડા પાંજરે પુરાઈ ગયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *