ગુજરાતમાં ચામડી દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આગાહી

GUJARAT

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી 42 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કંડલા એરપોર્ટ અને અમરેલીમાં તાપમાન 42 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.

પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે

ઉલ્લેખનીય છે કે બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની સાથે રાજ્યના વિવિધ વિસ્તારમાં પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે. ગુજરાતમાં ચામડી દઝાડતી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે બફારો વધશે

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, બુધવારના રોજ બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડદોરા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. જ્યારે બીજા દિવસે ગુરૂવારે સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, બોટાદમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાતથી જ રાજ્યના વાતાવરણમાં પલટો શરૂ થઈ શકે છે. જો કમોસમી વરસાદ પડશે તો રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે પરંતુ બીજી તરફ વાતાવરણમા ભેજનું પ્રમાણ વધવાના કારણે ઉકળાટ અને બફારો વધશે.

Leave a Reply

Your email address will not be published.