ગુજરાતીઓ સાચવો..! લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત ફરેલા 11 કોરોનાથી સંક્રમિત

GUJARAT

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ગુજરાતમાં શનિવારે પગરણ થયા છે, ત્યારે જ સમગ્ર રાજ્યમાં શનિવારે એક જ દિવસમાં નવા 44 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરમાં એકસાથે 11 લોકોને કોરોના પોઝિટિવ આવતાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ભાવનગરના આ કોરોના સંક્રમિત લોકો તા. 25થી 29 નવેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે સિંધુભવન રોડ પરની મેરિએટ હોટેલમાં લગ્નપ્રસંગે આવ્યા હોવાની હિસ્ટ્રી સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર, ગુજરાતમાં શનિવારે કોરોનાના 44 નવા કેસો સામે આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 12 કેસો સામે આવ્યા છે. જ્યારે ભાવનગરમાં 11, સુરત અને વડોદરામાં 5-5, દાહોદમાં 3, નવસારી, રાજકોટ અને વલસાડમાં 2-2 તેમજ કચ્છ અને રાજકોટમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 36 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદ લગ્નમાં આવેલા ભાવનગરના 11 કોરોનાથી સંક્રમિત
આજે ભાવનગર શહેરના જે 11 વ્યક્તિઓ પોઝિટિવ મળ્યાં છે. તેઓની ભાવનગર મ્યુનિ. આરોગ્ય તંત્રે ટ્રાવેલ હિસ્ટ્રી મેળવતાં આ પરિવાર તા.25 થી 29 નવેમ્બર દરમિયાન અમદાવાદમાં એક લગ્નપ્રસંગમાં ભાગ લેવા આવ્યા હતા. ભાવનગરના આરોગ્ય અધિકારી ડૉ.વિજય કાપડિયાએ સંદેશને જણાવ્યું હતું કે, આજે આવેલા 11 કોરોના સંક્રમિત વ્યક્તિઓ અમદાવાદની સિંધુભવન રોડ પરની મેરિએટ હોટેલમાં લગ્નપ્રસંગે ગયા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે.

આ તમામ સંક્રમિતોની મેરિએટ હોટેલની ટ્રાવેલ હિસ્ટ્રી નીકળતાં આ ઘટનાની ગંભીરતા અનેકગણી વધી ગઈ છે, કારણ કે દિવાળી બાદ શરૂ થયેલી લગ્નસરાની મોસમમાં લોકો ખુબ મોટી સંખ્યામાં લગ્ન સમારોહમાં ભાગ લઈ રહ્યાં છે. તેમાં આ ભાવનગરનો પરિવાર તા.25 થી 29 નવેમ્બર દરમિયાન મેરિએટ હોટેલમાં લગ્નપ્રસંગમાં મહાલ્યા હતા. આથી આ 4 દિવસ દરમિયાન કેટલા લોકો અને કોણ-કોણ આ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા? તે શોધવા માટે માટે આરોગ્ય તંત્રે કવાયત હાથ ધરવી પડશે. આ ઉપરાંત હોટેલના સ્ટાફ અને ત્યાં રોકાયેલા અન્ય મહેમાનો ઉપર પણ કોરોના સંક્રમણનું સંકટ સર્જાયું છે.

આ મામલે અમદાવાદ મ્યુનિ.ના આરોગ્ય અધિકારી ડૉ.ભાવિન સોલંકીએ જણાવ્યું કે, ભાવનગરના જે 11 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમની અમદાવાદમાં લગ્નપ્રસંગમાં આવેલા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી છે. તેઓ જે મેરિએટ હોટેલમાં રોકાયા હતા, ત્યારે તેમના સંપર્કમાં આવેલા હોટેલના સ્ટાફ અને લગ્નપ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત તેમને કોરોના સંબંધિત કોઈ લક્ષણો જણાય તો તેમના પર નજર રખાશે.

Leave a Reply

Your email address will not be published.