નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની મુદત પૂરી થઈ રહી હોવાથી વહેલી ચૂંટણીની અટકળો વચ્ચે આજે સીએમ વિજય રૂપાણી દ્વારા નર્મદામાં એક નિવેદન આપીને પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે. રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે CM રૂપાણીએ આજે એક ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થવાના સમાચાર હાલ વાયરલ થયા છે, જે પાયાવિહોણા છે. રાજ્યમાં નિયત સમયે જ સમયસર ચૂંટણી યોજાશે. UPની ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી કરાવવાના જે સમાચાર સામે આવ્યા છે, તે વિશે રૂપાણીએ જણાવ્યું કે UPની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ લેવા દેવા નથી. રાજ્યમાં સમયસર જ ચૂંટણી યોજાશે. આ નિવેદન બાદ રાજનીતિમાં ચૂંટણીને લઈને જે ગરમાવો ચાલી રહ્યો હતો તે ઠંડો પડી ગયો છે.
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી-માર્ચ 2022માં પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારબાદ એટલે કે નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની મુદત પૂરી થઈ રહી હોવાથી ચૂંટણી યોજાશે, પરંતુ અત્યારે નેતાઓ-આગેવાનોમાં ચર્ચા થઈ રહી છે કે આ પાંચ રાજ્યોની સાથે જ ગુજરાતમાં પણ ચૂંટણી યોજી દેવાશે. ચૂંટણી વહેલી યોજવા પાછળ કેટલાક તર્ક અને કારણો છે.
ઉત્તરપ્રદેશમાં યોજાનારી ચૂંટણીમાં જો ભાજપનો ધબડકો થાય તો તેની વિપરીત અસર ગુજરાતની ચૂંટણીનાં પરિણામો પર પણ પડી શકે છે. આ ઉપરાંત, સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરજસ્ત દેખાવ કર્યો હતો. ત્યારબાદ કેટલાય પાટીદારો અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આપમાં જોડાઈ છે. આગામી સમયમાં આ સિલસિલો ચાલુ રહી શકે છે. બીજી બાજુ કોરોનામાં જે રીતે નાગરિકોએ હાલાકી ભોગવી છે તેની વિપરીત અસર ચૂંટણી પર પડી શકે છે.
ઉપરાંત ગુજરાતમાં ભાજપ સંગઠન તેમજ સરકારમાં આંતરિક ખેંચતાણ છે. આ સ્થિતિથી ભાજપને નુકસાન થવાની ભીતિ છે. હાઈકમાન્ડ એવું વિચારી રહ્યું છે કે, ગત ચૂંટણીમાં પાટીદારોના આંદોલનને કારણે ભાજપે માંડ ૯૯ બેઠકો જીતી હતી અને કોંગ્રેસને ફાયદો થયો હતો. જેથી ભાજપ આ વખતે ચાન્સ લેવા માગતું નથી. વહેલી ચૂંટણી યોજવાથી ભાજપને કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય એવી ગણતરી મંડાઈ રહી છે.
અત્રે નોંધનીય છે છે કે આજે નર્મદામાં પાંચ વર્ષની સરકારની ઉજવણીના કાર્યક્રમો સામે કોંગ્રેસના વિરોધને લઈને સીએમ વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસના કાર્યક્રમો નિષ્ફળ રહ્યાં છે. પ્રજાએ તેની નોંધ લીધી નથી. રાજ્ય સરકાર હાલ પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે જે કાર્યક્રમો કરે છે, તેનો કોંગ્રેસ વિરોધ કરે છે. પરંતુ કોંગ્રેસના વિરોધની કોઈએ નોંધ લીધી નથી. આજે વિશ્વ આદિવાસી દિન નિમિતે કોંગ્રેસ આદિવાસીઓનો વિરોધ કરે છે. કોંગ્રેસનો વિરોધ ફક્ત મીડિયામાં દેખાઈ રહ્યો છે.