ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાઇ રહ્યું છે. જોકે ગાંધીનગર અને ડીસામાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડીનો નાગરિકોને અહેસાસ થઇ રહ્યો છે.
નાગરિકો ગાત્રો થીજવતી ઠંડીમાં ધ્રૂજી ઊઠયા
ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજુ પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. શીત લહેરમાં લોકો ઠૂંઠવાઈ ઉઠયા છે. હજુ પણ આ વિસ્તારોમાં આગામી બે ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. પાટનગર ગાંધીનગર આજે રાજયનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. ગાંધીનગરમાં લઘુતમ તાપમાનનો પારો 6.3 ડિગ્રી રહેતા નાગરિકો ગાત્રો થીજવતી ઠંડીમાં ધ્રૂજી ઊઠયા હતા.
શહેરમાં લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું
અમદાવાદ શહેરમાં પણ સતત તાપમાન બગડી રહ્યું છે. રવિવારે શહેરમાં લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડીસામાં 9.8 ડિગ્રી તાપમાન રહેતાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. જોકે આજે કચ્છના નલિયામાં પારો નજીવો ઉચકાતા 7.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાઇ રહ્યું છે. જોકે ગાંધીનગર અને ડીસામાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડીનો નાગરિકોને અહેસાસ થઇ રહ્યો છે.
માઉન્ટ આબુમાં ઠંડીમાં આંશિક રાહત
માઉન્ટ આબુમાં આજે તાપમાનમાં વધારો થયો છે. એક જ દિવસમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. ઠંડીનો પારો ઊંચકાઈને બે ડિગ્રી નોંધાયો છે. આમ ઠંડીમાં રાહત મળતા રજા માણવા આવેલા સહેલાણીઓને આંશિક રાહત મળી છે. જો કે માઉન્ટ આબુના અચલગઢ અને ગુરૂશિખર વિસ્તારમાં ઠંડીનું જોર યથાવત રહેતા આ વિસ્તારમાં ઠંડા પવનના સુસવાટા સાથે વાતાવરણ ઠંડુગાર અનુભવાઈ રહ્યું છે.
રવિવારની રજા હોવાના કારણે સહેલાણીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે આકાશમાં સમી સાંજે વાતાવરણ સ્પષ્ટ અને ચોખ્ખુ હોવાના કારણે સહેલાણીઓ સનસેટ પોઈન્ટ પર સૂર્યની આથમતી કિરણો જોવાનો લહાવો પણ લઈ શક્યા હતા.