સોમવારે જે રીતે ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે એકલાએ જ શપથ લીધા તેવું ગુજરાતમાં ભાજપરાજના 26 વર્ષોમાં ચોથીવાર બન્યું છે. કેશુભાઈ પટેલે પહેલીવાર 14 માર્ચ, 1995માં એકલાં જ શપથ લીધાં પછી મંત્રીમંડળનો શપથવિધિ 19મી માર્ચ-95ના રોજ યોજાયો હતો. એ પછી કેશુભાઈ બીજીવાર 04 માર્ચ, 1998ના રોજ મુખ્યમંત્રી બન્યાં, ત્યારે 09 દિવસ બાદ 13 માર્ચે મંત્રીઓએ શપથ લીધાં હતા, જ્યારે વડાપ્રધાન મોદી પહેલીવાર 07 ઓક્ટોબર 2001ના રોજ રાજ્યના મુખ્યમંત્રી બન્યાં એ પછી 10 દિવસમાં 17મી ઓક્ટોબરે મંત્રીમંડળનો શપથવિધિ થયો હતો, એટલે ભુપેન્દ્ર પટેલના મંત્રીઓના શપથ પણ મોડા થઈ શકે તેમ છે.
BJPના રાજમાં CM પછી ત્રીજી વખત મંત્રી પરિષદની રચના થશે
ગુજરાતમાં 25 વર્ષ વર્ષથી ભાજપનું રાજ છે. મુખ્યમંત્રી તરીકે એકલા શપથ લઈ મંત્રીમંડળની રચના કરનારા ભૂપેન્દ્ર પટેલ ત્રીજા મુખ્યમંત્રી છે. અગાઉ 7મી ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીએ સોંગદ લીધાના ત્રણેક દિવસ પછી મંત્રી પરિષદની રચના કરી હતી. તે પૂર્વે 4 માર્ચ 1998માં પણ કેશુભાઈ પટેલે પણ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યાના સપ્તાહ પછી મંત્રીઓને સામેલ કર્યા હતા.
ભુપેન્દ્ર પટેલની સરકારમાં 26 મંત્રીને સમાવી શકાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં 26 મંત્રીઓને સ્થાન મળી શકે છે. રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી સહિત 12 કેબિનેટ અને 11 રાજ્યકક્ષા એમ કુલ 23 મંત્રીઓ હતા. નવી સરકારમાં પણ મંત્રીમંડળનું કદ 25-26 સુધીનું રહશે તેમ મનાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણીના રાજીનામાથી શરૂ થયેલી રાજકીય હલચલ હજુ શાંત નથી થઈ. ભુપેન્દ્ર પટેલે CM પદના શપથ લીધા હવે મંત્રીમંડળમાં કોણ એવો સવાલ ઉભો થયો છે. કોને પડતાં મુકાશે અને કોણ નવું મંત્રી બનશે એને લઈ ગાંધીનગરમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. સોમવારે સ્વર્ણિમ સંકુલ -1માં CMO સિવાય તમામ મંત્રીઓ ઓફિસ ખાલી હતી અને મંત્રીઓ સહાયક અધિકારીઓ વિચારી રહ્યા છે કે આપણાં નવા ‘બોસ’ અર્થાત્ નવા મંત્રી કોણ આવશે.
કમલમના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોવડીમંડળ તરફથી અમુક જુના મંત્રીઓને પડતાં મુકવાની અને નવા યુવા ચહેરોઓને પ્રોજેક્ટ કરવાની ચર્ચા ચાલી રહી છે. જો કે નવી સરકારમાં મંત્રીમંડળ માટે અમિત શાહે પાડેલી ડિઝાઈન કેવી છે તે તો ચીઠ્ઠી ખુલે પછી જાહેર થશે. પરંતુ, 14-15 મહિના પછી ચૂંટણીમાં ઉતરતા પહેલા એન્ટિઈન્કમ્બ્સીને તોડવા દરેક ક્ષેત્ર, જાતિ, સમુહને ધ્યાને રાખીને મંત્રીમંડળ રચાશે એ નક્કી છે.