જીવલેણ કોરોના મહામારી સામેની જંગ જીતવા માટે કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું અને વૅક્સિનેશન મહત્વના હથિયાર છે. જેના પગલે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાની “કોવિશીલ્ડ” અને ભારત બાયોટકની ‘કોવેક્સિન’નું વધુમાં વધારે પ્રોડક્શન કરવા મથી રહી છે. એવામાં ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારે અંકલેશ્વરમાં ‘કોવેક્સિન’ના ઉત્પાદન માટે મંજૂરી આપી દીધી છે.
આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સત્તાવાર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, હવે ગુજરાતના અંકલેશ્વરમાં કોરોના વિરોધી રસી કોવેક્સિનના ઉત્પાદનને મંજૂરી મળી ગઈ છે. અંકલેશ્વરમાં કોવેક્સિનના ઉત્પાદનથી રસીની અછત નહીં સર્જાય અને વૅક્સીનના ઉત્પાદનમાં પણ વધારો થશે. વડાપ્રધાન મોદીનું “સૌને વૅક્સિન, મફત વૅક્સિન” આપવાનું વિઝન છે. અહીં રસીનું ઉત્પાદન થવાથી વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને વેગ મળશે.
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશના દરેક નાગરિકને વૅક્સિન આપવાની આવશ્યક્તા છે. આ માટે રસીના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હવેથી અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોરોના વિરોધી રસી કોવેક્સિનનું ઉપ્તાદન થવાથી વૅક્સિનેશન અભિયાનને વેગ મળશે.