ગુજરાત: 50 વર્ષ બાદ બની રહ્યો છે ગ્રહ જગતનો વિશેષ યોગ

GUJARAT

આગામી ૩, મેના રોજ મંગળવારે અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ છે. વૈશાખ મહિનાના શુકલ પક્ષની ત્રીજના દિવસે કોઈ પણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા મંગળ રોહિણી નક્ષત્રના શોભન યોગમાં છે. નોંધપાત્ર હકીકત તો એ છે કે, લગભગ પ૦ વર્ષ બાદ એવો સંજોગ બન્યો છે કે સૂર્ય અને ચંદ્ર તેમની ઉચ્ચ રાશિમાં રહેશે.

50 વર્ષ બાદ બની રહ્યો છે ગ્રહ જગતનો વિશેષ યોગ

જયારે બે પ્રમુખ ગૃહ સ્વરાશિમાં હશે. આ દિવસે ચાર ગ્રહોનું અનુકૂળ સ્થિતિમાં હોવું અક્ષય તૃતીયાને ખાસ બનાવે છે. આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ શુભ કાર્ય ઉત્તમ ફળ આપનારું બની રહેશે. અક્ષય તૃતીયાને ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં અખાત્રીજ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ગામડાંમાં ખેડૂતો અને તેમના ભાગીદારો તેમજ કૃષિ વિષયક લેણદેણના હિસાબો ચૂકતે કરવામાં આવે છે. અક્ષય તૃતીયા પર્વને પરશુરામ જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે.

લગ્ન, સગાઈ ઉપરાંત મકાન અને વાહન ખરીદવા માટે ઉત્તમ યોગ

ભગવાન વિષ્ણુએ વૈશાખ મહિનાના શુકલ પક્ષની ત્રીજના દિવસે પરશુરામ અવતાર ધારણ કર્યો હતો. આ દિવસે લગ્ન, સગાઈ કરવા ઉપરાંત મકાન, વાહન, કપડાં અને ઘરેણાંની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે વૃન્દાવનનાં શ્રીબાંકે વિહારીજી મંદિરમાં ચરણ દર્શન કરી શકાય છે. જે વર્ષભરમાં માત્ર એક જ અવસર હોય છે. આ અવસર પર મંગળવાર અને રોહિણી નક્ષત્રના કારણે મંગળ રોહિણી યોગ બની રહ્યો છે.

અખાત્રીજે કૃષિ સંસ્કૃતિની લેણ-દેણના હિસાબો મંડાશે

ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ સંસ્કૃતિ આધારિત લેવડ દેવડ અને લાગ-ભાગના હિસાબો અખાત્રીજના દિવસે ચૂકતે કરાય છે. ગામડાંમાં ગિરવે મુકેલી જમીન પણ આ દિવસે મુકત કરાય છે. અખાત્રીજનું મૂલ્ય ગ્રામીણ સંસ્કૃતિ માટે અતિ મહત્વનું છે. આ દિવસે ખેડૂતો ચોમાસુ વાવણી માટે સજ્જ બને છે. ખેડ અને ખાતરની કાર્યવાહીની શરૂઆત આ દિવસે થાય છે. જો કે, ગ્રામીણ સંસ્કૃતિની પરંપરાઓથી શહેરીજનો સાવ અજાણ હોય છે.

Leave a Reply

Your email address will not be published.