સુરત નજીક પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં ગળું કાપી હત્યા કરવાના ચકચારી કેસમાં કોર્ટમાં બચાવ અને ફરિયાદ બંને પક્ષની દલીલો દસેક દિવસ પહેલાં પૂર્ણ થઇ હતી. દૈનિક ધોરણે ચાલેલી સુનાવણીના અંતે આજે ચુકાદો આવવાની શકયતા હતી. પરંતુ સુનવણી ટળી છે અને હવે 21મી એપ્રિલના રોજ ચુકાદો આવે તેવી શકયતા છે.
આ કેસની વિગત અનુસાર ગત તા.12 મી ફેબ્રુઆરીના રોજ પાસોદરા પાટીયા સ્થિત લક્ષ્મીધામ રો-હાઉસ ખાતે રહેતી ગ્રીષ્મા વેકરીયાની હત્યા ફેનિલ ગોયાણીએ કરી હતી. એક તરફી પ્રમમાં પાગલ ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુ ફેરવીને તેની નિર્મમ હત્યા કરી હતી.
જાહેરમાં કરાયેલી હત્યાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. કામરેજ પોલીસ સ્ટેશનમાં ફેનિલ વિરુદ્વ હત્યાનો ગુનો નોંધાયો હતો. ફેનિલની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા. કેસની તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરીને ફેનિલને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.
કોર્ટમાં દૈનિક ધોરણે સુનવણી શરૂ હતી. બચાવ પક્ષ દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળાએ જવાબ આપતા આ કેસમાં આવેશમાં આવીને એકાએક હત્યા કરવા કે પછી સ્વરક્ષણ માટે કરાયેલી હત્યાનો કેસ નથી. આરોપીએ ખૂન માટે અગાઉથી તૈયારી કરી હતી અને તેને અંજામ આપવા માટે એક પ્રોફેશનલ કિલરને પણ શરમાવે તેવી તૈયારી કરી હતી. સરકાર પક્ષે જણાવાયું હતું કે, ફરિયાદ પક્ષે ચાર્જશીટ મુજબ આરોપી સામે લગાડાયેલી કલમ 302, 307, 342, 354 અને 506 (2) સહિતની તમામ કલમ હેઠળના આરોપો પુરવાર કરવા માટે દલીલો કરી હતી.