પ્રશ્ન : મારી એક ફ્રેન્ડ અનેક યુવાનો સાથે મોડી રાત સુધી ફરે છે. એ ક્યારેક તો ઘરે પણ જતી નથી. એનાં માતા-પિતાને આ વાતનો ખ્યાલ છે, પણ તેઓ એને કંઇ કહી શકતાં નથી. એને કેવી રીતે સમજાવવી કે આ રીતે એ પોતાનું જ અહિત કરી રહી છે?
એક યુવતી (આણંદ)
ઉત્તર : તમારી ફ્રેન્ડ મોડી રાત સુધી યુવાનો સાથે બહાર ફરે છે અને તેનાં માતા-પિતા જો આ વાત જાણતાં હોવા છતાં એને કંઇ ન કહી શકતાં હોય, તો તમારે આટલી ચિંતા કરવાની જરૂર નથી.
એને જો પોતાનાં માતા-પિતાની કે પોતાની જાતની કોઇ પ્રકારની ચિંતા ન હોય અથવા કંઇ અહિત થઇ શકે છે એવો ખ્યાલ ન આવતો હોય તો તમે એને સમજાવવાનો પ્રયત્ન કરશો તો પણ એ નહીં સમજે.
આવી યુવતીઓ જ્યારે તેમને કોઇ કટુ અનુભવ થાય ત્યારે જ વાસ્તવિકતા સમજે છે. આથી તમે એની ચિંતા કર્યાં વિના એની જિંદગી એની રીતે જીવવા દો તે તમારા તેમ જ તમારી મૈત્રી માટે સારું રહેશે. દરેક વ્યક્તિ પોતે જ પોતાના જીવન માટે જવાબદાર હોય છે.
પ્રશ્ન : મારા પતિનું અવસાન થયા બાદ મારી બંને દીકરીઓને મોટી કરી અને બંનેનાં લગ્ન પણ સારી રીતે કરાવ્યાં. મારે એક દીકરો છે. એ મને એની સાથે રાખવા તૈયાર નથી કેમ કે એ કહે છે કે મેં એનું ધ્યાન નથી રાખ્યંુ. હું શું કરું?
એક મહિલા (જામનગર)
ઉત્તર : પતિના અવસાન બાદ તમે દીકરીઓને મોટી કરી, લગ્ન કરાવ્યાં અને એમાં ક્યાંક દીકરા પ્રત્યે ધ્યાન આપવાનું રહી ગયું હોય, પણ તે માટે એણે તમને રાખવાની ના ન કહેવાની હોય. માતાની કાળજી રાખવાની ફરજ એની છે. તમે એને આ અંગે સમજાવીને કહી શકો છો કે તમે એના માટે પણ ધ્યાન રાખ્યું છે.