ગુજરાત ભરમાં હથિયારો સાથે ધાડ-લૂંટ અને ઘરફોડ ચોરી કરતા મધ્યપ્રદેશના ઝાબુંવા ગેંગના બે કુખ્યાત આરોપીઓને મુદ્દામાલ સાથે સુરત શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
મહત્વનું છે સુરત શહેરમાં બનતા મિલ્કત સંબંધી ગુના શોધી કાઢવા પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો સાથે વર્ક આઉટ દરમ્યાન આધારભુત બાતમીને આધારે પુણા સારોલી રોડ ઓરબીટ-1 કોમ્પલેક્ષની નજીકમા જાહેર રોડ પરથી બે ખૂંખાર આરોપી ખુશાલ રસન કીહોરી અને શૈતાન નાથુ સીંગાડીયાને ઝડપી પાડવામાં આવ્યા હતાં. ઝાંબાવાના રહેવાસી બન્ને આરોપીઓ પાસેથી મોટરસાઇકલ તેમજ સોનાના દાગીના અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યાં હતાં.
આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે સોનાની બે ચેઇન ઇચ્છાપોર કવાસ ચારરસ્તા પાસેના એક ઘરમાંથી ચોરી કર્યું હતું. પકડાયેલા બંને આરોપી ઉપરાંત અન્ય એક આરોપીએ બારીવાટે ઘરના રૂમમા પ્રવેશ કરી, રૂમમા કબાટ મુકેલ હતુ તે લોખંડનુ કબાટ દરવાજા વાટે બહાર કાઢી નજીકમા ઝાડીમાં લઇ ગયેલા અને લોખંડના સળીયા તથા પેચીયા વડે કબાટના દરવાજા તોડી તેમાંથી સોના ઘરેણા ચોરી કરી ત્યાથી નાસી ગયેલ હતા અને ત્યાંથી આગળ થોડાજ અંતરે આવતા એક મકાન પાસે હોન્ડા સી.બી.ઝેડ. ગાડી પાર્ક કરેલ હતી તે ગાડીના નરેશ મુનીયાએ મોટર સાયકલ ચાલુ કરી બધા પુણા સારોલી રોડ તરફ ભાગી ગયા હતાં.
ત્યાંથી ત્રણેય આરોપીઓ પોતાના વતન મધ્યપ્રદેશ જતા રહ્યા હતા. પોલીસની પકડમાં આવેલા બંને આરોપીઓની પૂછપરછમાં તેમને વધુ ચાર ગુનાની કબૂલાત કરી છે. આ ઉપરાંત આ બન્ને આરોપીઓએ અગાઉ 14થી વધુ ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે. બંને આરોપીની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે, સાથે જ આ કેસમાં વોન્ટેડ વધુ એક આરોપીને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.