ઘરેથી ભાગેલી કિશોરીને એક યુગલે પોતાના ઘરમાં આશરો આપ્યો અને…

GUJARAT

લાલચમાં આવી ઘરેથી ભાગી ગયેલી કિશોરી છેડતીનો ભોગ બની હતી. સગીરાને લિવ-ઇનમાં રહેતા યુગલે એકાદ દિવસ પોતાના ઘરે આશરો આપ્યા બાદ પરિવારજનો સાથે મળી સગીરાને શોધવાનું નાટક પણ કર્યુ હતુ. બાદમાં જેના ઘરે રહેવા મોકલી આપી તે પરિચિતે સગીરા સાથે અડપલાં કર્યા હતા. પોલીસે છેડતીખોર અને યુગલની અટક કરી હતી.

મળતી વિગતો પ્રમાણે કતારગામમાં રહેતા મુળ ભાવનગરના રહેવાસી મગનભાઇ (નામ બદલ્યું છે) મજૂરી કામ કરે છે. સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. ગત તા.10મીના રોજ તેમની 17 વર્ષીય દીકરી પ્રિયા (નામ બદલ્યું છે) પરિવારજનને કાંઇ પણ કહ્યા વિના ચાલી ગઇ હતી. માતા-પિતાએ ભારે શોધખોળ કરી હોવા છતાં પ્રિયાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે ચોકબજાર પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સપ્તાહ બાદ સગીરા ઘરે પરત ફરી હતી. જે-તે સમયે તેણીએ ઘરકામ સહિત નાની-નાની બાબતે માતા દ્વારા અપાતા ત્રાસથી કંટાળી જઇ ઘર છોડી ગઇ હોવાનું પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતુ. દરમિયાન પાછળથી પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

પોતાને જાણકારી હોવા છતાં યુગલે સગીરાને શોધવાનું નાટક કર્યુ

પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રિયાને નજીકની સોસાયટીમાં રહેતા કાજલબેન બચુલાલ મિશ્રાાએ વાતોમાં ભોળવી વિશ્વાસમાં લીધી હતી. ‘અમારી સાથે રહેશે તો તારી જિંદગી સુધરી જશે, સારા છોકરા સાથે લગ્ન કરાવીશું’ એવી વાતો કરતા લાલચમાં આવી ગયેલી પ્રિયા ઘરેથી ભાગી જઇ કાજલના ઘરે રહેવા ચાલી ગઇ હતી. અહીં કાજલ પોતે કિશોર ગોહિલ નામના યુવક સાથે લિવ ઇનમાં રહેતી હતી. એકાદ દિવસ પ્રિયા કાજલના ઘરે રહી હતી. બીજી તરફ કાજલ અને કિશોરે પ્રિયાના માતા-પિતા સાથે મળી પ્રિયાને શોધવાનું નાટક પણ કર્યુ હતુ. પ્રિયા પોતાના ઘરે હોવા છતાં તેઓએ વાત છૂપાવી હતી.

સગીરા પર દાનત બગાડનાર યુવક અને યુગલની ધરપકડ

થોડાં દિવસો બાદ તેઓએ પ્રિયાને પ્રકાશ નાગર નામના યુવકના ઘરે રહેવા મોકલી હતી. અહીં પ્રકાશે સગીરા પર દાનત બગાડી શારીરિક અડપલાં કર્યા હતા. બાદમાં કાજલ અને કિશોર જ ‘પ્રિયા અમને મળી આવી છે’ એવું કહીં તેણીને ઘરે મુકવા ગયા હતા. જે-તે સમયે ધાક-ધમકીથી ગભરાઇને પ્રિયાએ સમગ્ર હકીકત છૂપાવી હોવાનું પોલીસને જણાવ્યું હતુ. કતારગામ પોલીસે આ કેસમાં અપહરણ, છેડતી અને પોક્સોની કલમનો ઉમેરો કરી કાજલ બચુલાલ મિશ્રાા (ઉ.વ.27, રહે- ભગવાનનગર સોસાયટી, સિંગણપોર- મુળ યુપી), તેણીના પ્રેમી કિશોર રામજી ગોહિલ અને છેડતીખોર પ્રકાશ કેશવ નાગર (ઉ.વ.30, રહે- મહેતાનગર સોસાયટી, ડભોલી- મુળ પાલિતાણા, ભાવનગર)ની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીઆઇ ચૌધરી ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.