ભાવનગરમાં રહેતી બે પરિણીતાએ તેમના સાસરિયા વિરૃદ્વ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘરેલું હિંસાના પ્રથમ બનાવની વિગત એવી છે કે, શહેરના ચિત્રા વિસ્તારમાં પિયર ધરાવતાં અને અધેવાડા ખાતે સાસરૃં ધરાવતાં તરલાબેન જીજ્ઞોશભાઇ પરમારે મહિલા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના લગ્ન કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે નોકરી કરતાં જીજ્ઞોશ પુનાભાઇ પરમાર સાથેે છ વર્ષ પૂર્વે થયા હતા.
જો કે, લગ્નના છ માસ સારી રીતે રાખ્યા બાદ પતિ દ્રારા નાની વાતોમાં તેમજ ઘરકામ બાબતે શંકા-કુશંકા કરી હેરાન કરવા લાગ્યા હતા. તો, પરિણીતાના પતિને તેમના સાસુ કાંતાબેન ,સસરા પુનાભાઇ, બન્ને નણંદ પૂર્વીબેન કિરીટભાઇ રેવર તથા મધુબેન પ્રકાશભાઇ સુમરા તથા દિયર અવિનાશ પતિને ચડામણી કરતા હતા.
જેના કારણે પતિએ પરિણીતા પાસે દહેજની માંગણી પણ કરી હતી. તો, બન્ને નણંદ પરિણીતાના પતિને સારી નોકરી મળી જતાં પરિણીતા કરતા સારી છોકરી ગોતી દેવાનું કહી પરિણીતાને ત્રાસ આપ્યો હતો. બનાવ અંગે પોલીસે ઉક્ત ૬ વિરૃદ્વ ગુન્હો નોંધ્યો છે.
જયારે, ભાવનગરના આતાભાઈ રોડ પર રહેતાં મનીબેન શ્યામભાઇ સચદેવે હૈદ્રાબાદ રહેતાં તેમના પતિ શ્યામ યગ્નેશભાઇ સચદેવ, સાસુ શાલિનીબેન તથા સસરા યગ્નેશભાઇ વિરૃદ્વ મારકૂટ કરી સાસુ-સસરા પતિને ચડામણી કરી પતિને ચપ્પલથી મારવાનું કહી માર ખવડાવી, ફરિયાદી પરણીતાને ધમકી આપી કોઇ રકમ કે મિલ્કતમાં ભાગની માંગણી નહીં કરવાનું બળજબરીથી લખાણ કરાવી નાંખ્યાની પોલીસ ફરિયાદ નંધાવી હતી. પોલીસે ઉક્ત ત્રણેય વિરૃદ્વ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.