ઘરમાં સુખ શાંતિથી રહેવા દરેક વ્યક્તિ ઇચ્છે અને તેના માટે વાસ્તુ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે ઘરના સામાનની ગોઠવણી કરે છે, ત્યારે ઘરને સજાવવાના ભાગ રૂપે એટલે કે ઘરની શોભામાં વધારો કરવામાં આવતા રંગો પણ વાસ્તુનો જ એક ભાગ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ રંગોનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે, તેથી જ્યારે પણ ઘરમાં રંગ કરાવવો, હંમેશાં સમજી- વિચારીને કરાવો કારણ કે તેને વારંવાર બદલવો સરળ હોતો નથી. વાસ્તુ શાસ્ત્રએ જૂનામાં જૂનું શાસ્ત્ર છે, જેમાં અત્યારે લોકો રસ ધરાવે છે, વાસ્તુનું મહત્ત્વ લોકો સમજતા થયા છે.
તેથી દરેક લોકો એવો પ્રયત્ન કરે છે, કે ઓફિસ હોય કે ઘર દરેક જગ્યાએ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સામાનની ગોઠવણી કરીએ, તો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જ ઘરની દીવાલોમાં રંગની પસંદગી કરો. વાસ્તુ મુજબ લોકો પોતાના ઘરના દરેક રૂમને શણગાર કરે છે તો સારું રહેશે કે તમે પણ વાસ્તુ મુજબ જ પોતાનાં રસોડા, બેઠકરૂમ, બેડરૂમ, બાથરૂમ વગેરેમાં રંગ કરાવો કે જેથી સુખ-શાંતિ જળવાઇ રહે.
બેડરૂમ
બેડરૂમમાં મોટા ભાગના લોકો પોતાને ગમતો કલર કરાવવો પસંદ કરતા હોય છે. પરંતુ તમારા ગમતા કલરનો વાસ્તુ સાથે મેળ કરાવવો જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડરૂમમાં પિન્ક એટલે કે આછો ગુલાબી, આસમાની, તેમજ આછો લીલો રંગ સારો ગણાય છે.
બાળકોના રૂમ માટે લીલો રંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
રસોડું
રસોડું એવું સ્થળ છે, જ્યાં રંગોની બાબતમાં તમારી પાસે ઘણી બધી મર્યાદિત ચોઇસ હોય છે, વાસ્તુ મુજબ રસોડામાં સફેદ, પીળો, રોઝ પિન્ક, નારંગી, ચોકલેટ તથા લાલ રંગ સૌથી શ્રેષ્ઠ ગણાય છે.
ડાયનિંગ રૂમ
ડાયનિંગ રૂમ માટે હળવા રંગ ખૂબ જ સારા ગણાય છે. ગુલાબી, લીલો અને આસમાની રંગ તમને ફ્રેશ કરી દેશે. ધ્યાન રાખો કે આ રૂમમાં કાળો- સફેદ કે કાળા, સફેદથી બનેલો કોઇપણ રંગ ન કરો. આવો રંગ ઘરમાં ક્યાંય ન કરો.
બાથરૂમ
સફેદ, આસમાની અને પેલગ્રીન વગેરે બાથરૂમને મોટંુ દેખાડવાની સાથે-સાથે ફ્રેશ લુક આપે છે. બાથરૂમમાં કાળા અને ઘેરા લાલ રંગનો ઉપયોગ ન કરે. તેનાથી બાથરૂમ નાનું દેખાશે.
ગેસ્ટરૂમ
ગેસ્ટરૂમમાં હંમેશાં આછા રંગ કરવા જોઇએ, પીળો, લીલો, આસમાની, નારંગી અને લવન્ડરને લાઇટ શેડ વાસ્તુ મુજબ સારા ગણાય છે.