ગણેશ ઉત્સવ શરુ થઇ ગયો છે. ઘણા લોકોએ ઘરોમાં-સોસાયટીઓમાં ગણેશજીની સ્થાપના કરી લીધી છે. બધે જ તહેવારની ધૂમ છે, ગણપતિને રોજ-રોજ ચઢાવવા માટે ભોગની તૈયારીઓ પણ થઈ ગઈ છે. ત્યારે ઘણા ઓછા લોકોને એ વાતની જાણ હશે કે કોઈ પણ ભગવાનના પ્રસાદમાં મુકાતું તુલસીનું પાન ગણેશજીના પ્રસાદમાં મુકાતું નથી. તો ચાલો તમને જાણીએ એના પાછળની પૌરાણિક કથા –
એક પ્રચલિત પૌરાણિક કથા પ્રમાણે, ગણેશજી જયારે ગંગા નદીને કિનારે તપસ્યા કરી રહયા હતા, ગણેશજી રત્નજડિત સિંહાસન પર બેઠા હતા અને ચંદનના લેપ સાથે તેમના શરીર પણ અનેક રત્નજડિત હાર પહેર્યા હતા. ત્યારે એ જ તટ પર ધર્માત્મજ કન્યા તુલસી પણ પોતાના વિવાહ માટે તીર્થયાત્રા કરતા ત્યાં પહોંચી હતી. ગણેશજી એ સમયે ખૂબ જ આકર્ષક દેખાઈ રહયા હતા. ગણેશજીને જોઈને તુલસીજીનું મન તેમના તરફ આકર્ષિત થયું. તુલસીજીએ ગણેશજીને તપસ્યામાંથી ઉઠાડીને તેમને વિવાહનો પ્રસ્તાવ આપ્યો.
તપસ્યા ભંગ થવાને લીધે ગણેશજી ખૂબ જ રોષે ભરાયા અને તેમને તુલસીનો વિવાહનો પ્રસ્તાવ ફગાવી નાંખ્યો. ગણેશજીએ ના પાડી તો તુલસીજી ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે ગણેશજીને શ્રાપ આપ્યો કે તેમના બે વિવાહ થશે. તો ગણેશજીએ પણ ગુસ્સે ભરાઈને તુલસીજીને શ્રાપ આપ્યો કે તેમના લગ્ન એક અસુર સાથે થશે. આ સાંભળીને તુલસીજી ભગવાન ગણેશની માફી માંગવા લાગ્યા. ત્યારે ગણેશજીએ કહ્યું કે તારા લગ્ન શંખચૂર્ણ રાક્ષસ સાથે થશે અને એ પછી તું છોડનું રૂપ ધારણ કરી લઈશ.
ગણેશજીએ કહ્યું કે કળિયુગમાં તુલસી જીવન અને મોક્ષ આપનાર હશે, પણ મારી પૂજામાં તુલસીનો પ્રયોગ નહિ થાય. આ જ કારણ છે કે જયારે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે ત્યારે કશે પણ તુલસી વપરાતી નથી.