બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત ફિલ્મ ‘થલાઇવી’ને ચર્ચામાં રહી છે. જ્યારે હવે કંગનાએ એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેણે નવી ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મનું નામ ‘સીતા- ધ અવતાર’ છે. આ એક મહાકાવ્ય નાટક છે. ફિલ્મમાં કંગના ટાઇટલ રોલ એટલે કે સીતાનો રોલ ભજવશે. આ જાહેરાત બાદ તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર બાળપણની તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરતાં તેણે કહ્યું કે તેણે બાળપણમાં પણ સીતાની ભૂમિકા ભજવી છે.
કંગના રણૌતે શેર કરેલી બાળપણની તસવીરમાં, તે બીજી છોકરી સાથે ઉભી છે. કંગનાએ લાલ રંગની ચૂંદડીથી માથે ઓઢ્યું છે. ચુંદડી એક હાથથી પકડી છે. જ્યારે બીજા હાથમાં આશીર્વાદ મુદ્રામાં છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું, મેં સ્કૂલના નાટકમાં પણ સીતાનો રોલ કર્યો હતો. ત્યારે હું 12 વર્ષની હતી. સિયારામચંદ્રની જય ” આ સાથે, તેણે તેના કેપ્શનમાં હાથ જોડતા ઇમોજીનો ઉપયોગ કર્યો છે.
ફિલ્મ ‘સીતા – ધ અવતાર’ નું પોસ્ટર શેર કરતાં કંગના રણૌતે લખ્યું, “એક મહાન કાસ્ટ ટીમ સાથે ટાઇટલ રોલ મેળવીને ખુશ છું. સીતારામના આશીર્વાદ સાથે. જય સિયા રામ. ” ‘સીતા’ કંગનાની બીજી પૈન ઇન્ડિયા ફિલ્મ હશે જે 5 ભાષાઓમાં રિલીઝ થશે. અલૌકિક દેશાઇ સીતાનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે.
તાજેતરમાં જ ‘સીતા – ધ અવતાર’માં મુખ્ય ભૂમિકા માટે અભિનેત્રી કરીના કપૂર ખાનનું નામ આવી રહ્યું હતું. પરંતુ અહેવાલોએ દાવો કર્યો હતો કે કરીનાએ આ રોલ માટે ખૂબ વધારે ફીની માંગણી કરી હતી. કરીના ફી અને સીતાના પાત્રને લઈને પણ ટ્રોલ થઈ હતી.
એસએસ સ્ટુડિયો પ્રોડ્યુસર સલોની શર્માએ કહ્યું, “એક મહિલા તરીકે, મારા કરતાં કંગનાને આ ફિલ્મમાં આવકારવા માટે કોઈ ખુશ ન હોઈ શકે. કંગનામાં એક વાસ્તવિક ભારતીય સ્ત્રીના તમામ ગુણો છે. તે નિર્ભય, બહાદુર અને સ્પષ્ટવક્તા છે. દરેક અર્થમાં સમાનતાની ઉજવણી કરવાનો આ પ્રસંગ છે.