ફરી એકવાર PM મોદી ગુજરાતના મહેમાન બનશે, 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઊજવવા મહાત્મા મંદિર આવશે

nation

વડા પ્રધાન મોદી પાંચમી સપ્ટેમ્બરના શિક્ષક દિને માદરે વતન ગુજરાતમાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની તથા મુખ્ય સચિવ અનિલ મુકિમની વિનંતીને પગલે વડા પ્રધાને તેમનો કાર્યક્રમ નક્કી કર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.

શિક્ષક દિને વડા પ્રધાન મોદી પાટનગરમાં મહાત્મા મંદિરથી રાજ્યની સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે ઘડાયેલો રૂ. ૮ હજાર કરોડનો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી ધો. ૧થી ૮ની ૧૫ હજાર પ્રાથમિક શાળાઓ, ૪ હજાર ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ૧ હજાર સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવરી લેવાની છે, જે પૈકી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સહિતની તાલુકાદીઠ એક એવી કુલ ૨૫૦ સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓ પાયલોટ પ્રોજેક્ટ તરીકે વડા પ્રધાનના હસ્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા ખુલ્લી મુકાશે.

આ પ્રોજેક્ટના ભાગરૂપે તમામ સરકારી શાળાઓ ઉપર દેખરેખ રાખવા ગયા વર્ષે તૈયાર થયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું પણ વડા પ્રધાન દ્વારા ઔપચારિક લોન્ચિંગ થશે.

રૂ. ૮ હજાર કરોડના આ પ્રોજેક્ટ માટે રૂ. ૩,૭૦૦ કરોડની લોન વિશ્વ બેન્ક તથા રૂ. ૧,૮૫૦ કરોડની લોન એશિયન ઇન્ફાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક પાસેથી અપાવવામાં ભારત સરકારે મદદ કરી હોઈ રાજ્ય સરકારના આગ્રહથી વડા પ્રધાન દ્વારા આ પ્રોજેક્ટનું લોન્ચિંગ થવાનું છે.

રાજ્યના શિક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે શિક્ષક દિન પછીના ૧ હજાર દિવસમાં ૧૦ હજાર શાળાઓ તથા ત્યારબાદના ૫૦૦ દિવસમાં બીજી ૧૦ હજાર શાળાઓ સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ આવરવાનું તંત્રનું આયોજન છે.

Leave a Reply

Your email address will not be published.