ઇઝરાયલનો એક છૂટાછેડાનો કિસ્સો આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં આ કેસને લઇ ઇઝરાયલની ખૂબ આલોચના થઇ રહી છે. ઓસ્ટ્રેલિયન નાગરિક નૉમ હુપર્ટ (Noam Huppert)ને ઇઝરાયલ છોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કારણ કે નૉમની પત્નીએ તેની વિરૂદ્ધ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. ઇઝરાયલની કોર્ટે પ્રતિબંધ અને ભરણપોષણની જે રકમ નક્કી કરી છે તેને લઇ ખૂબ હોબાળો થયો છે.
સજાથી બચવું છે તો ચૂકવો 47 કરોડ રૂપિયા
મીડિયા રિપોર્ટ અનુસાર ઇઝરાયલની કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે નૉમ હુપર્ટ 31મી ડિસેમ્બર 9999સુધી દેશ છોડીની જઇ શકતા નથી. એટલે એક રીતે તેમને આવતા 8000 વર્ષો સુધી ‘કેદ’ રહેવું પડશે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો હુપર્ટને આ સજાથી બચવું છે તો તેણે ભરણપોષણ અને બાળકોના ઉછેર માટે 3 મિલિયન ડોલર એટલે કે લગભગ 47 કરોડ રૂપિયા આપવા પડશે.
બ્રિટિશ પત્રકારે મુદ્દો ઉઠાવ્યો
કોર્ટે કહ્યું કે જો ઓસ્ટ્રેલિયન નાગરિક 3 મિલિયન ડોલરની ચૂકવણી કરી દે છે તો તેને સજામાંથી મુક્તિ મળી શકે છે. નહીં તો ઇઝરાયલમાં જ રહેવું પડશે. આ કેસને બ્રિટિશ જર્નાલિસ્ટ Marianne Azizi એ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની મુશ્કેલી કેટલાંય ઓસ્ટ્રેલિયન નાગરિકને થઇ શકે છે. આ દ્રષ્ટિથી આ અંગે કંઇક કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે જો આ કેસ અંગે દૂતાવાસ પાસેથી કોઇ માહિતી મળી નથી.
2012માં ઇઝરાયલ શિફ્ટ થયા હતા
ઓસ્ટ્રેલિયામાં રહેતા આ શખ્સ 2012ની સાલમાં પોતાના બે બાળકોની સાથે ઇઝરાયલમાં રહેવા આવ્યા હતા. ત્યારે તેમની પત્નીએ ઇઝરાયલની કોર્ટમાં તેના વિરૂદ્ધ છૂટાછેડાનો કેસ દાખલ કરી દીધો હતો. કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને સાંભળીને શખ્સના હોંશ ઉડી ગયા છે. તેઓ પોતાને ફસાવ્યા હોય તેવું મહેસૂસ કરી રહ્યા છે. તો આ સજા પર માનવાધિકાર કાર્યકર્તાઓએ પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. કોર્ટના નિર્ણયમાં કહ્યું છે કે નૉમ હુપર્ટ રજા મનાવવા અને કામ કરવા માટે પણ બહાર જઇ શકતા નથી.
‘બીજાને ફસાવતા રોકવા માટે કામ કરીશું’
ઓસ્ટ્રેલિયન મીડિયા સાથે વાત કરતાં નૉમ હુપર્ટે કહ્યું ક મારી જેમાં બીજા કેટલાંય લોકો છે જેમને સ્થાનિક છૂટાછેડા સંબંધિત કાયદાની વધુ માહિતી ના હોવાના લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવા કઠોર કાયદા અંગે વધુમાં વધુ જાગૃતતા ફેલાવાની જરૂર છે. તેમણે કહ્યું કે હવે આ અંગે મારા દેશના બીજા લોકોને જણાવીને તેમને જાળમાં ફસાવતા રોકવા માટે કામ કરીશ.