દિવાળી પર બનાવો પરંપરાગત માવાના ઘૂઘરા, આ રીતે કરો તૈયાર

kitchen tips

દિવાળીના તહેવાર પર તૈયાર કરવામાં આવતી પરંપરાગત વાનગીઓમાંથી એક છે ઘૂઘરા. લગભગ દરેક ઘરમાં ઘૂઘરા બનતા જ હશે. ઘરે આવનારા મહેમાનોને પણ આપને આ વાનગી પીરસીયે છીએ. ઘૂઘરા ઘણી રીતે બનાવવામાં આવે છે. કેટલાક તેનું સ્ટફિંગ સોજીનું બનાવે છે તો કેટલાક તેનું સ્ટફિંગ માવાનું બનાવે છે. ત્યારે આજે જાણીએ માવાના ઘૂઘરા બનાવવાની રીત –

સામગ્રી

મેંદો – 2 કપ
માવો – 1 કપ
ખાંડ – 2 કપ
ઘી – 1 કપ
એલચી પાવડર – 1 ચમચી
બદામ છીણેલી – 1 ચમચી
પાણી
રીત

માવાના ઘૂઘરા બનાવવા માટે, પહેલા મેંદો લો અને તેને 1/4 કપ ઘી અને પાણીની મદદથી સારી રીતે લોટ બાંધી લો. તે પછી તેને લગભગ અડધો કલાક માટે એમ જ રહેવા દો. આ દરમિયાન, ઘુઘરામાં ભરવા માટેનું સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા માવો લો અને તેને ધીમા તાપે એક પેનમાં થોડીવાર માટે શેકી લો. જ્યારે માવાનો રંગ આછો બ્રાઉન થઈ જાય ત્યારે ગેસ બંધ કરી ઠંડો થવા માટે રાખો. જ્યારે માવો સંપૂર્ણપણે ઠંડુ થાય ત્યારે તેમાં બદામ, એલચી પાવડર અને એક કપ ખાંડ ઉમેરો.

હવે મેંદાના લોટમાંથી ગોળા બનાવો અને તેને પૂરીના આકારમાં વણી લો. આ પછી તૈયાર કરેલું સ્ટફિંગ તેમાં ભરો. હવે પૂરીની કિનારીઓ પર હળવું પાણી લગાવો અને તેને બંધ કરી લો અને ઘૂઘરાની ધારને સીલ કરી આપો. આ રીતે એક પછી એક તમામ ઘૂઘરા બનાવી લો. આ પછી એક પેનમાં ઘી લઈને ધીમા તાપે ગરમ કરો. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં તૈયાર કરેલા ઘૂઘરા તળી લો. ઘૂઘરા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.

હવે એક પેન લો અને તેમાં એક કપ ખાંડ અને પાણી ઉમેરીને ખાંડની ચાસણી તૈયાર કરો. ચાસણી તૈયાર થાય એટલે તેમાં તળેલા ઘૂઘરા નાંખો અને તેને સારી રીતે ડુબાડો. આ પછી એક પ્લેટમાં ઘૂઘરા કાઢી લો અને મૂકી રાખો જેથી ચાસણી સુકાઈ જાય. જ્યારે ઘૂઘરા સંપૂર્ણપણે ઠંડા થઇ જાય ત્યારે તેને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી લો. જયારે ઈચ્છા હોય ત્યારે આ ઘૂઘરા ખાઈ શકાય.

Leave a Reply

Your email address will not be published.