આખા દેશમાં કોરોના સંક્રમણના લીધે મચાવતા હાહાકારની વચ્ચે કેટલાંક એવા સમાચારો પણ આવ્યા છે જે તમામ મુશ્કેલીઓની વચ્ચે હોંસલો આપે છે અને આશા જગાવે છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના બાલાઘાટથી સામે આવી છે જ્યાં એક દીકરી તમામ મુશ્કેલીઓને પાર કરતાં સ્કૂટીથી એકલી જ 180 કિલોમીટરનું અંતર કાપીને મહારાષ્ટ્રના નાગપુર પહોંચી ગઇ અને કોરોના સંક્રમિતોની સારવારમાં લાગી ગઇ.
બાલાઘાટની ડૉ.પ્રજ્ઞા ઘરડે રજાઓમાં પોતાના ઘરે આવી હતી. આ બધાની વચ્ચે કોરોનાનું સંક્રમણ વધતા મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ આવતી-જતી બસો પર પ્રતિબંધ મૂકી દીધો. ટ્રેનમાં તેને જગ્યા મળી નહીં તો પ્રજ્ઞાએ સ્કૂટી લઇને નાગપુર જવાનો નિર્ણય કર્યો. સતત સાત કલાક સ્કૂટી ચલાવીને તે નાગપુર પહોંચી ગઇ.
પ્રજ્ઞાએ કહ્યું કે નકસલ પ્રભાવિત વિસ્તારના લીધે પરિવારના લોકો તેને આ મુસાફરી કરતાં રોકવાની કોશિશ કરી રહ્યા હતા. લોકડાઉનના લીધે તેને રસ્તામાં ખાવા-પીવાનું કંઇ મળ્યું નહોતું. ભરઉનાળાન લીધે મુશ્કેલીઓ પડી પરંતુ પોતાની ફરજના રસ્તામાં તેમણે આ સમસ્યાઓને આડે આવવા દીધી નહીં.
પ્રજ્ઞાએ કહ્યું કે તે નાગપુરમાં એક કોવિડ સેન્ટરમાં આરએમઓના પદ પર પદસ્થ છે. તે સાંજે એક બીજી હોસ્પિટલમાં પણ દર્દીની સારવાર કરે છે. તેના લીધે તેણે દરરોજ 12 કલાકથી વધુ સમય સુધી પીપીઇ કિટ પહેરીને કામ કરવું પડે છે. નાગપુરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધવાની ખબર પડી તો તેણે સ્કૂટીથી ત્યાં પહોંચવાનો નિર્ણય કરી લીધો.