ધો.12ની વિદ્યાર્થિની સાથે ઓનલાઈન દોસ્તી કરી, પછી હોટલમાં લઈ જઈ રેપ કર્યો

GUJARAT

આજકાલ મોટાભાગના લોકો મોબાઈલ અને ઈન્ટરનેટની સાથે વિવિધ સોશિયલ મીડિયાના બંધાણી બની ગયા છે! ખાસ કરીને યંગસ્ટર્સને તેનું ખૂબ જ ઘેલુ લાગ્યું છે. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ તેનો ઊપયોગ કરવાથી દૂર નથી. ત્યારે સોશિયલ મીડિયા પર વિવિધ ઓળખાણો પણ બનતી હોય છે અને ક્યારેક પસ્તાવાનો વારો પણ આવતો હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનારો યુવક તેને બળજબરી હોટલમાં લઈ ગયો અને પીંખી નાખી હતી. આ મામલે પીડિત વિદ્યાર્થિનીએ યુવક અને તેને મદદ કરનારા મિત્ર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી ભારે પડી
પીડિત વિદ્યાર્થિનીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ફેબ્રુઆરી 2021ની આ વાત છે. એ સમયે તે પરીક્ષાની તૈયારી કરી રહી હતી. ત્યારે તે તેની માતાનો ફોન વાપરતી હતી. એ દરમિયાન તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આર્યન શિન્દે નામના યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. આ રિક્વેસ્ટ તેણે સ્વીકારી હતી. એ પછી બને વચ્ચે ચેટિંગ થવા લાગ્યુ અને વાતચીત થવા લાગી. એક દિવસ આરોપી આર્યને તેને જોવી હોવાનું કહી મળવા માટે વાત કરી હતી.

તરત જ યુવક આવી પહોંચ્યો
એ પછી પીડિતા આરોપીને મળી હતી. એ પછી બંને વાતચીત પણ ચાલુ રહી, પરંતુ ગઈ 26 ઓક્ટોબરે તેની સાથે ન થવાનું થયુ હતુ. એ દિવસે તે તેની એક મિત્ર સાથે જૂના પાદરા રોડ પર આવેલી હોસ્પિટલમાં ગઈ હતી. એ દરમિયાન આરોપી આર્યનનો વારંવાર ફોન આવતો હતો. તેણે એક વાર ફોન રિસીવી કર્યો અને આરોપીએ તેને પૂછ્યુ કે તે ક્યાં છે. જેવી તેને જાણ થઈ કે તે હોસ્પિટલ આવી છે તો તે બાઈક લઈને તેની પાસે આવી ગયો.

બળજબરી હોટલમાં લઈ જઈ પીંખી નાખી
આરોપી આર્યને તેને બાઈક પર સાથે ચાલવા દબાણ કર્યુ હતુ, પરંતુ પીડિતાએ ઈનકાર કર્યો. એટલે આરોપી આર્યને તેના અન્ય મિત્ર નિખિલ ભાલેકરને બોલાવ્યો હતો. નિખિલે પણ તેને આર્યન સાથે જવા માટે દબાણ કર્યુ. ત્યારબાદ આરોપી આર્યન અલકાપુરી વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઈ ગયો અને તેનો બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો હતો. આ વાત કોઈને ન કહેવા માટે તેણે ધમકી પણ આપી હતી. બાદમાં ભોગ બનેલી વિદ્યાર્થિનીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે બંને આરોપી યુવક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.