ઉધનાની ધો. 10ની વિદ્યાર્થિનીને બહેનપણીના સંબંધી ભાઇએ પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાની તબિયત લથડતા હોસ્પિટલમાં કરાવેલી સારવારમાં બે મહિનાનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું. પોલીસે આરોપી સૂરજ માનેની ધરપકડ કરી હતી.
મળતી વિગતો પ્રમાણે ઉધનામાં હરિનગર પાસે રહેતા 35 વર્ષીય સીમાબેન (નામ બદલ્યું છે) મૂળ યુપીના વતની છે. તેમના પતિ રિક્ષાચાલક છે. સંતાનમાં બે પુત્રી અને 1 પુત્ર છે. જે પૈકી સૌથી નાની પુત્રી ધો. 10માં ભણે છે. 15 વર્ષીય સગીરા હાલમાં જ ધો.10 બોર્ડની પરીક્ષા આપી હતી. દરમિયાન ગત તા. 17મીએ સગીરાની તબિયત લથડતા પરિવારજનો સારવારાર્થે સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા.
જ્યાં તબીબો પ્રાથમિક સારવાર બાદ વિવિધ રિપોર્ટ કઢાવ્યા હતા, જે રિપોર્ટમાં સગીરાને બે મહિનાનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું. ચોંકી ઉઠેલા માતા-પિતાએ દીકરીને ગર્ભ અંગે પૂછતા તેણીએ જણાવ્યું કે, સ્કૂલમાં સાથે ભણતી બહેનપણીનો સંબંધી ભાઇ સૂરજ માને સાથે તેણીનો પરિચય થયો હતો. સૂરજ બહેનપણીને સ્કૂલે લેવા-મૂકવા આવતો હોય તેની સાથે મિત્રતા થઇ હતી. ત્યારબાદ બંનેએ એકબીજાને મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.
ફોન પર તેઓ સતત સંપર્કમાં રહેતા હોય તેઓ વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા હતા. બે મહિના પહેલાં સૂરજ સગીરાને મહાદેવનગર સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા રૂમમાં લઇ ગયો હતો. અહીં લગ્નની લાલચ આપી બળજબરી કરી સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. આખરે સમગ્ર મામલો ઉધના પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી સૂરજ માને (19)ની ધરપકડ કરી હતી. સૂરજ પેટ્રોલપંપ પર નોકરી કરતો હોવાનું જાણવા મળે છે.