ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આશા સેવવામાં આવી રહી છે કે, આગામી દિવસોમાં કોરોના વાયરસ થોડો નબળો પડે અને દેશ આખો આ મહામારીમાંથી બહાર આવે. પરંતુ નિષ્ણાંતોના મતે આ મહામારી હજુ પણ બદતર સ્વરૂપ ધારણ કરી શકે છે.
કોરોના વાયરસના કહેરની વચ્ચે જાણિતા ડૉ. દેવી પ્રસાદ શેટ્ટીએ ભારતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ હજુ પણ બદતર થવાનું અનુમાન લગાવ્યું છે. ડૉ. દેવી પ્રસાદ શેટ્ટીના જણાવ્યા પ્રમાણે અનુસાર આગામી અઠવાડિયાઓમાં ભારતમાં 5 લાખ ICU બેડ, 2 લાખ નર્સ અને દોઢ લાખ ડૉક્ટરોની જરૂર પડશે. દેવી શેટ્ટી અનુસાર વર્તમાન પરિસ્થિતિમાં ભારતમાં 75થી 90 હજાર ICU બેડ છે અને મહામારીની બીજી લહેરમાં અત્યારે સાડા ત્રણ લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે. જેથી માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસનો પિક આવશે ત્યારે રોજ લગભગ પાંચ લાખથી વધારે કેસ નોંધાશે.
ડૉ. શેટ્ટીના જણાવ્યા પ્રમાણે, પ્રત્યેક સંક્રમિતની સાથે પાંચથી દસ લોકો એવા છે જેમના ટેસ્ટ જ નથી થઈ રહ્યા. જેનો અર્થ એ થાય કે, ભારતમાં દરરોજ 15થી 20 લાખ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ સ્થિતિમાં પાંચ ટકા લોકોને ICUની જરૂર પડશે. ડૉ. શેટ્ટીએ કહ્યું હતું કે, આપણે ઓછામાં ઓછા દોઢ લાખ ડૉક્ટર અને બે લાખ નર્સની આગામી સમયમાં જરૂર પડશે જે એક વર્ષ સુધી કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી શકે. હાલ જે મહામારી છે તો ચારથી પાંચ મહિના સુધી રહેશે અને તે બાદ આપણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવાનું છે.
મહામારીને નાથવા શું કરવું
ડૉ. શેટ્ટીએ આ સમસ્યાનું સમાધાન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં 2.20 લાખ નર્સિંગ સ્ટુડન્ટ્સ છે જે ત્રણ વર્ષ નર્સિંગ અને મિડવાઇફરી અથવા BSC કર્યું છે અને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ભારત સરકારે આ લોકોણે એક વર્ષ માટે કોરોના વોર્ડમાં નિયુક્ત કરી દેવા માટે વિચાર કરવો જોઈએ અને તે બાદ તેમને ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ આપવું જોઈએ.
માર્ચ મહિનાથી ભારતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક જ ઉછાળો જોવાં મળ્યો હતો અને તે બાદ સતત કેસ વધી રહ્યા છે. દેશની હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને લોકો સારવાર વિના જ દમ તોડી રહ્યા છે. ઈન્જેક્શનો અને ઑક્સીજન ખૂટી પડ્યું છે અને હાલત એ છે કે હવેથી સ્મશાનોમાં જગ્યા નથી અને લાકડાઓ ખૂટી રહ્યા છે.