કોરોના વેક્સિન લીધા બાદ 4 હજાર મહિલાઓને પીરિયડમાં થઈ તકલીફ! આ રિપોર્ટમાં થયો ખુલાસો

WORLD

કોરોના રસીની સામે આવી રહેલી આડઅસર પર સમગ્ર દુનિયાની નજર છે. એક અહેવાલ મુજબ યુકેમાં લગભગ 4000 મહિલાઓને રસી આપ્યા બાદ પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓ થઈ છે. રસી પર નજર રાખતા નિષ્ણાંતોએ પોતે આ દાવો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ સમસ્યા રસી લીધા પછી 30 થી 49 વર્ષની મહિલાઓમાં વધુ જોવા મળી છે.

રિપોર્ટ અનુસાર મહિલાઓમાં સામાન્ય રક્તસ્રાવ કરતા વધુ પ્રવાહ આવે છે અને કેટલીક સ્ત્રીઓને પિરિયડમાં વધુ સમય લાગી રહ્યો છે. મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) અનુસાર, 17 મે સુધી, એસ્ટ્રાઝેનેકા શોટ સંબંધિત આવા 2,734 અહેવાલો નોંધવામાં આવ્યા છે.

જો કે, આ દાવો એકલા એસ્ટ્રાઝેનેકા રસી વિશે કરવામાં આવ્યો નથી. ફાઈઝરની રસીના કારણે પીરિયડ ચેન્જના 1,158 કેસ નોંધાયા છે. જ્યારે 66 કેસ મોડર્નાની રસી સાથે જોડાયેલા છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે આ સંખ્યા હજી વધારે હોઈ શકે છે, કારણ કે પીરિયડને લગતી આ સમસ્યા ઘણાં આંકડામાં નોંધાઈ નથી.

બ્રિટનના પ્રખ્યાત અખબારે MHRAની કોવિડ આડઅસરોની સૂચિમાં પીરિયડ સંબંધિત સમસ્યાઓનો સમાવેશ ન કરવા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. જો કે, નિયમનકારે આ અંગે કહ્યું, એક સમીક્ષાએ તારણ કાઢ્યું છે કે તાજેતરમાં રસી અપાયેલી સ્ત્રીઓમાં આ સમસ્યા ખૂબ વ્યાપક સ્તરે જોવા મળી નથી. તેમણે કહ્યું હતું કે તેની નજીકથી તપાસ કરવામાં આવશે.

MHRAના ચીફ એક્ઝિક્યુટિવ ડો. જૂન રાઈનએ કહ્યું, અમે આરોગ્ય નિષ્ણાંતોની મદદથી માસિક સ્રાવના વિકાર, યોનિમાર્ગમાં અનિયમિત રક્તસ્રાવ અને રસીકરણની આડઅસરોના અહેવાલની સમીક્ષા કરી છે. યુકેમાં લગાવવામાં આવતી ત્રણેય રસીના વર્તમાન આંકડા આ ખતરાને વધવા તરફ ઈશારો નથી કરી રહ્યા. ડો. રાઇનેએ કહ્યું, રસી લીધા પછી માસિક સ્ત્રાવના વિકારનો ભોગ બનેલી મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે. અમે આ સમસ્યાના સંકેતોને સમજવા માટે અહેવાલોનુ નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છીએ.

રિપોર્ટ અનુસાર 30 થી 49 વર્ષની વય જૂથની લગભગ 25 ટકા મહિલાઓએ પીરિયડને લગતી આ સમસ્યાનો અનુભવ કર્યો છે. આમાં રક્તસ્રાવ પ્રવાહ સામાન્ય કરતાં ઓછા અથવા વઘારે, પીરિયડ સમયથી પહેલા અથવા વિલંબ થયો અને પેટમાં ખેંચાણથી સંબંધિત સમસ્યાઓ સામેલ હોઈ શકે છે. આ ઘણીવાર શરીરમાં આંતરસ્ત્રાવીય બદલાવને કારણે થઈ શકે છે. તે જ સમયે, તે તબીબી સ્થિતિ અથવા દવાઓને કારણે પણ હોઈ શકે છે.

બ્રિટનની જેમ અમેરિકામાં પણ રસીકરણ બાદ આ પ્રકારની સમસ્યા જોવા મળી છે, પરંતુ વૈજ્ઞાનિકોએ ત્યારે કહ્યું હતું કે આ સમયે આ અંગે કંઈ કહેવું બહુ વહેલું છે. જો કે, વિશ્વભરમાં રસીના યોગ્ય એક્સેસને લઈને કામ કરી રહેલા આંતરરાષ્ટ્રીય વેક્સીન એલાયન્સ GAVIના જણાવ્યા મુજબ, આવુ શક્ય છે. નિષ્ણાતો કહે છે કે અન્ય વાયરસ માટે બનાવેલી રસીથી પણ ઘણી વખત પીરિયડ્સને લગતી સમસ્યાઓ થાય છે.

Leave a Reply

Your email address will not be published.