વરસાદની ઋતુમાં ત્વચા પર ભેજ રહે છે, જેના કારણે ત્વચા પર ખંજવાળ આવવી, ફોલ્લીઓ થવી કે સોજો આવી જવાની ફરિયાદ રહે છે. ઔષધીય ગુણોથી ભરપૂર, લીમડો ચોમાસામાં ત્વચાની સમસ્યાઓ માટે શ્રેષ્ઠ ઉપાય છે. લીમડો વરસાદને કારણે થતી ત્વચાની સમસ્યાઓને મૂળમાંથી દૂર કરે છે. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-સેપ્ટિક અને એન્ટી-ફંગલ ગુણ ત્વચા પર થતી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. ચોમાસામાં ચહેરા પર ખીલ અને ખંજવાળ આવવાની સમસ્યાઓ ખૂબ જ પરેશાન કરે છે, એવામાં લીમડો આ સમસ્યાઓનો શ્રેષ્ઠ ઉપાય છે. આવો જાણીએ લીમડો ત્વચાની કઈ સમસ્યાઓનો ઈલાજ કરે છે અને તેનો ઉપયોગ ત્વચા પર કેવી રીતે કરવો.
સ્કિન ઇન્ફેક્શનમાં કેવી રીતે કરવો લીમડાનો પ્રયોગ
વરસાદમાં સ્કિન ઇન્ફેક્શનથી પરેશાન છો, તો એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર લીમડાનો પ્રયોગ કરવો. લીમડો ત્વચા પર થતા ઘા, ખંજવાળ અને ફોલ્લીઓથી છુટકારો અપાવે છે. આ ઉપાય કરવા માટે લીમડાના પાંદડાને પાણીમાં નાખીને ઉકાળો અને પછી એને ગાળીને ઠંડુ કરી લો. લીમડાના પાણીમાં ઠંડુ પાણી ઉમેરીને એનાથી નહાવું, એનાથી તમને સ્કિન ઇન્ફેક્શન અને ખંજવાળથી રાહત મળશે.
ખીલથી છુટકારો મેળવવા માટે લીમડાનો ઉપયોગ
ચોમાસામાં ચહેરા પર ખીલ પરેશાન કરે છે તો લીમડાથી આ રીતે એનો ઉપાય કરવો. લીમડાને ચહેરા પર લગાવવા માટે એનો લેપ બનાવી લો. લીમડાના પાંદડાને પીસીને એમાં થોડો બેસન અને ગુલાબજળ ઉમેરીને આ પેકને ચહેરા પર ખીલવાળી જગ્યાએ લગાવો. આ લેપને ઓછામાં ઓછી 15-20 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી ચહેરો પાણીથી ધોઈ લો. ધોતા સમયે એ વાતનું ધ્યાન રાખવું કે સર્ક્યુલર મોશનમાં રગડતા જ આને ચહેરા પરથી ધોવો. લીમડો ખીલ અને ત્વચાની ઘણી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરશે.
ત્વચા પરથી કાળા ડાઘ હટાવવા માટે લીમડાનો લેપ
ચહેરા પર કાળા નિશાન કે ડાઘ હોય તો લીમડા અને દહીંનો લેપ વાપરવો. આ લેપ બનાવવા માટે તમારે થોડી લીમડાની પેસ્ટ અને 2 ચમચી દહીંને સારી રીતે મિક્સ કરી લેવું. પછી ચહેરા પર આ લેપને 15 મિનિટ માટે લગાવો. 15 મિનિટ પછી ચહેરાને ધોઈ કાઢો. લીમડો અને દહીં ચહેરા પરથી ડાઘા તો દૂર કરશે જ સાથે ચહેરા પરના ખીલથી છુટકારો અપાવશે.