પ્રશ્ન : મારા પતિના અવસાનને છ મહિના થયાં છે. મારે એક દીકરો છે. મારા પતિના એક મિત્ર મારી સાથે લગ્ન કરવાં ઇચ્છે છે, જે માટે મારાં સાસરિયાં પણ તૈયાર છે. મને એ સામાજિક રીતે યોગ્ય નથી લાગતું. હું શું કરું? એક મહિલા, સુરેન્દ્રનગર
ઉત્તર : તમારા પતિના અવસાનને છ મહિના થયા છે. તમે એક પુત્રની માતા હોવા છતાં જો તમારા પતિના મિત્ર તમને સ્વીકારવા તૈયાર હોય અને તમારાં સાસરિયાંની પણ અનુમતિ હોય તો આ લગ્ન કરી લેવા જોઇએ. અલબત્ત, માત્ર છ જ માસના સમયગાળામાં તમે પતિને વિસારે પાડીને લગ્ન કરો એ દુનિયાને થોડું અતિશયોક્તિભર્યું લાગે, પરંતુ તમારે તમારો તથા તમારા દીકરાનો વિચાર કરવાનો છે
અને જ્યારે તમારાં સાસરિયાં પણ આ લગ્ન કરાવી આપવા માટે તૈયાર હોય તો પછી વધારે વિચાર કરવાની જરૂર નથી. જો તમે પોતાની મેળે આ નિર્ણય લીધો હોત તો કદાચ સમાજમાં એ ટીકાનું કારણ બને એવી સ્થિતિ ઊભી થઇ હોત પણ જો તમારાં સાસુ અને સસરા પણ તમને ટેકો આપી રહ્યા હશે
તો સમાજમાં કોઇ નકારાત્મક ચર્ચા નહીં થાય. તમે સમાજના વિચારો અને પ્રતિભાવની ચિંતા કરવા કરતા તમે પોતે શું ઇચ્છો છો એ પહેલાં સમજવાનો પ્રયાસ કરો. જો તમને માનસિક રીતે વાંધો ન હોય તો લગ્ન કરવામાં કોઇ વાંધો નથી.
પ્રશ્ન : મારે સંતાનમાં એક દીકરી છે. મારી ઇચ્છા છે કે એક દીકરો હોય તો સારું. મારાં માતા-પિતાની પણ એવી ઇચ્છા છે કે દીકરો હોવો જોઇએ. જ્યારે મારી પત્નીને પહેલી પ્રસૂતિ વખતે જ ડોક્ટરે જણાવ્યું હતું કે એ હવે પછી જો માતૃત્વ ધારણ કરશે તો કદાચ પીડા સહન નહીં કરી શકે. હું મૂંઝવણમાં છું કે શું કરવું? એક પુરુષ, રાજકોટ
ઉત્તર : તમારે સંતાનમાં દીકરી તો છે. તમારાં માતા-પિતા ઉંમરલાયક હોવાથી તેમની વિચારસરણી અનુસાર તેમને વંશ આગળ વધે તે માટે દીકરો હોય તેવી ઇચ્છા થાય. જોકે તમારાં પત્ની વિશે ડોક્ટરે જે કહ્યું છે તેને ધ્યાનમાં લઇને તમારે વિચારવાની જરૂર છે. પત્નીની જવાબદારી તમારી છે. જો ડોક્ટરે બીજું સંતાન ન કરવાની સલાહ આપી હોય તો કોઇ સંજોગોમાં તેમની સલાહની ઉપરવટ ન જવું જોઇએ.
તમારે તમારા માતા-પિતાને સમજાવવા જોઇએ કે દીકરો હોય કે દીકરી એ ઇશ્વરની કૃપા છે અને હવે તો દીકરીઓ પણ દીકરાની જેમ જ માતા-પિતાની કાળજી લેતી હોય છે. આમ છતાં જો તમારા માતા-પિતા આ મામલે નમતું જોખવા તૈયાર ન થાય તો આ મામલે તમારે પત્નીના પક્ષમાં નાછૂટકે કડક વલણ અપનાવવા માટે તૈયાર રહેવું પડશે.