ચશ્માથી કોઈને પણ નગ્ન જોઈ શકાશે…. સાંભળતા જ બે આધેડની લાલચ વધી, અને…

GUJARAT

માણસને નિર્વસ્ત્ર અને જમીનની 10 ફૂટ નીચે જોઈ શકાય એવા ચશ્મા લેવા જતાં હિંમતનગરના બે શખ્સોએ 6.70 લાખ રૂપિયા ગુમાવ્યા છે. સમગ્ર કેસમાં 15 આરોપીઓ સામેલ છે. જેમાં 5 આરોપી હિંમતનગરમાંથી પકડાયા છે. ઈડરની ચાંદની પીવીસી ફર્નિચરની દુકાન ચલાવતા શખ્સ અને બડોલીના શખ્સ સહિત 15 સામે ફરિયાદ નોંધાઇ છે. ચશ્મામાં ઇરેડિયમ નામની મેટલ વપરાય છે, જેનો ઉપયોગ મોટા વૈજ્ઞાનિક સંશોધનોમાં થાય છે તેવું કહી ઊંઝા તાલુકાના શખ્સ પાસેથી રૂપિયા પડાવ્યા હતા.

બે શખ્સો બન્યા હતા ભોગ
પ્રથમ ફરિયાદ મુજબ, હિંમતનગરના મોતીપુરામાં સહયોગનગર સોસાયટીમાં રહેતા કાળુભાઇ રામલાલ તૈલીને ત્રણ વર્ષ અગાઉ નરેન્દ્રસિંહ હઠીસિંહ પરમાર (રહે. પોલાજપુર) અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભાણો પરમાર (રહે. મહુડી તા. વિજાપુર) ગેરેજ ઉપર મળ્યા હતા. બંનેએ તેમને કહ્યુ હતું કે, અમારી પાસે માણસને કપડા વગરનો જોઇ શકાય તેવા ચશ્મા છે. આ ચશ્માથી માણસને કપડા વગરનો અને જમીનની નીચે 10 ફૂટ સુધી જોઇ શકાય છે. ગુપ્ત ખજાનો હોય તો પણ મળી શકે છે. તમારે આવા ચશ્મા લેવા હોય તો 50 લાખ ખર્ચવા પડશે. કાળુભાઇને ચશ્માનો મોહ એટલો લાગ્યો કે તેમણે બે વર્ષ પહેલા સાડા ત્રણ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા અને બાદમાં એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યાર બાદ તેમણે 70 હજાર રૂપિયા આપ્યા હતા. રૂપિયા આપવા છતાં પણ ચશ્માની ડિલિવરી કે જોવા ન મળતા કાળુભાઈએ રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ આરોપીઓ એકબીજા પર ઢોળતા હાત. આમ, તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.

બીજી ફરિયાદ મુજબ, ઊંઝાના મહેરવાડાના અરવિંદભાઈ માઘવલાલ પટેલ જમીનની દલાલીનો વ્યવસાય કરે છે. તેમને ચાર વર્ષ પહેલા ફર્નિચરને લગતું કામ હોઇ ઈડરમાં ચાંદની પીવીસી ફર્નિચર નામની દુકાન ચલાવતા સલીમભાઇ સત્તારભાઇ મનસુરીના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે સલીમે માધવલાલને ખાસ ચશમાની વાત કરી હતી. તેમને પણ નગ્ન જોઈ શકાય તેવા ચશ્મા વિશે કહ્યુ હતું. તેમજ કહ્યુ હતું કે, જમીનથી નીચે 10 ફૂટ સુધી દાટેલ મેટલ પણ જોઇ શકાય છે. આ ચશ્મામાં જે મેટલ વપરાય છે તે મોંઘા રિસર્ચમાં કામમા આવે છે. તેમની વાતમાં આવીને માધવલાલે ટોકન પેટે 51 હજાર રૂપિયા આપ્યા હતા.

આમ, બંને શખ્સો નગ્ન લોકોને જોવાની લ્હાયમાં ચશ્મામાં છેતરાયા હતા. ત્યારે બંનેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ બાદ હિંમતનગર પોલીસ એક્ટિવ થઈ હતી. પોલીસે ચશ્માના નામે છેતરતી ટોળકીને પકડી પાડી હતી. સમગ્ર કેસમાં 15 આરોપીઓ સામેલ છે. જેમાં 5 આરોપી હિંમતનગરમાંથી પકડાયા છે. પોલીસે તેમની પાસેથી 1.50 લાખ રોકડ, 1 કાર અને 6 મોબાઇલ કબ્જે કર્યા છે. હિમતનગર એ ડીવીઝન અને ઇડર પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો દ્વારા ફરિયાદ કરાઈ હતી. લોકલ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.

આ આરોપી પકડાયા
ઈડરના ત્રણ રહેવાસી સલીમભાઇ સત્તારભાઇ મનસુરી, રફીકભાઇ હસનભાઇ મનસુરી અને સીકંદરમીયા સયદુમીયા મકરાણી. મધ્યપ્રદેશના ધારનો રહેવીસી નરવરસિંહ માંગુસિંહ શકરુભા સોલંકી અને રાજસ્થાનનો રહેવાસી નીધરાજ ધનરાજજી હામજી મીણા

Leave a Reply

Your email address will not be published.