આપણી પરંપરા અનુસાર જ્યારે પણ કોઈ વડિલને મળવાનું થાય ત્યારે સૌથી પહેલાં તેના પગનો સ્પર્શ કરી આશીર્વાદ લેવામાં આવે છે. જો કે આજકાલ યુવાવર્ગમાં આ પ્રથા પ્રત્યે વધારે લગાવ જોવા નથી મળતો. એકબીજાને ગળે મળીને અભિવાદન કરવામાં માનતાં વર્ગમાં પગે લાગવાની પ્રથાનું મહત્વ ઘટી રહ્યું છે. કારણ કે આ પરંપરાના મહત્વથી તેઓ અજાણ હોય છે. ત્યારે આજે જાણી લો પગે લાગવાની પ્રથા પાછળ શું છે કારણ.
વડિલોને પગે લાગવા પાછળ તેમને સન્માન આપવાની ભાવના હોય છે તેની સાથે જ આ પ્રથા વ્યક્તિના સંસ્કારોને પણ દર્શાવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ સંસ્કાર દરેક માતા-પિતા તેના બાળકોને પણ આપે છે કે તેણે પોતાનાથી મોટી ઉંમરની વ્યક્તિને સન્માન આપવું. પગે લાગવાથી વડિલોના આશીર્વાદ મળે છે અને ભગવાન પણ પ્રસન્ન થાય છે.
આ સિવાય પગે લાગવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. જ્યારે વ્યક્તિ આશીર્વાદ લેવા માટે કોઈના ચરણસ્પર્શ કરે છે ત્યારે શરીરમાં માથાથી પગ સુધી ઊર્જાનો સંચાર થાય છે, જે કોસ્મિક ઊર્જા હોય છે. જ્યારે આપણે કોઈના પગનો સ્પર્શ કરીએ છીએ ત્યારે આ ઊર્જા તેના આપણા હાથ અને તેના પગના માધ્યમથી તેના શરીરમાં પહોંચે છે. જ્યારે તે વ્યક્તિનો હાથ આપણાં માથા પર આવે છે ત્યારે તે ઊર્જા ફરીથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આ ઊર્જાના કારણે શરીરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે. આ રીતના કારણે મન શાંત થાય છે.