ચીન કોરોના ટેસ્ટ માટે પ્રાઇવેટ પાર્ટમાંથી સેમ્પલ લેશે

GUJARAT

કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને ફેલાવતો રોકવા માટે ચીનમાં હવે ફરી એકવખત મળદ્વાર દ્વારા સ્વાબ એટલે કે નમૂના લેવાનો નિયમ લાગૂ કરી દેવાયો છે. બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકને લઇ આ દેશમાં કડક નિયમો કરાયા છે.

બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સ (2022 વિન્ટર ઓલિમ્પિક્સ)ની શરૂ થવાના માત્ર બે અઠવાડિયા પહેલા ચીને ઓમિક્રોન વેરિઅન્ટ પર કડક વલણ શરૂ કર્યું છે. અહીં હવે ફરી એકવાર એનલ સ્વેબ (Anal Swab) એટલે કે ગુદામાંથી સેમ્પલ લેવાનો વિવાદાસ્પદ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ચીનના અખબાર ‘ધ બેઇજિંગ ન્યૂઝ’ અનુસાર બેઇજિંગના એક એપાર્ટમેન્ટમાં ઓછામાં ઓછા 27 લોકોના મળદ્વારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા. જેમાં એક 26 વર્ષની મહિલા પણ હતી.

ગુદા પરીક્ષણની અંતર્ગત મળાશયમાંથી બે ઇંચ (5 સેમી) સુધી એક ટેસ્ટિંગ કિટને નાંખવામાં આવે અને તેને ઘણી વખત ફેરવવામાં આવે છે. લેબમાં પરીક્ષણ કરતા પહેલા સ્વેબને દૂર કરી દેવામાં આવે છે. ચીની ડોકટર્સનું માનવું છે કે આ રીતે કોરોનાનું વધુ સચોટ પરીક્ષણ કરવામાં આવે છે.

ચીનના હેલ્થ એક્સપર્ટસનું માનવું છે કે કેટલાક લક્ષણ વગરના કોરોનાના દર્દી ઝડપથી સાજા થઇ જાય છે. તેમના ગળા કે નાકમાં વાયરસ જોવા મળતો નથી પરંતુ વાયરસ તેમના શરીરમાં હાજર હોય છે. તેથી મળદ્વારથી લેવામાં આવેલા નમૂનાઓની તપાસ કરીને કોવિડ વાયરસને સરળતાથી ઓળખી શકાય છે. એનલ સ્વેબથી કોરોના વાયરસની હાજરી વધુ નક્કર અને સચોટ હોય છે. આ પદ્ધતિ ગળા અથવા નાકના સ્વેબ પરીક્ષણ કરતાં વધુ સંવેદનશીલ છે. વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં તે વધુ સરળતાથી જાણી શકાય છે.

ટિકિટોનું વેચાણ રદ

કોરોનાના દહેશતની વચ્ચે હવે માત્ર પસંદગીના દર્શકોને જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. કારણ કે દેશમાં કોરોનાના કેસોની સંખ્યા માર્ચ 2020 પછીના ઉપલા સ્તરે પહોંચી ગયા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ચીને સામાન્ય પ્રેક્ષકોને ઓલિમ્પિકની ટિકિટોનું વેચાણ રદ કર્યું હતું. ઓલિમ્પિક મશાલ રિલેને પણ સામાન્ય લોકોથી દૂર રાખવામાં આવી છે.

4 થી 20 ફેબ્રુઆરી સુધી ઓલિમ્પિક્સ

2022 વિન્ટર ઓલિમ્પિક્સ 4 થી 20 ફેબ્રુઆરી 2022 દરમિયાન ચીનની રાજધાની બેઇજિંગ નજીકના સ્થળોએ યોજાવાની છે, જેમાં તેના પડોશી શહેરો યાનકિંગ અને ચોંગલીનો સમાવેશ થાય છે.

કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે

સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ 15 જાન્યુઆરીએ પ્રથમ ઓમિક્રોન કેસ સામે આવ્યા બાદ બેઇજિંગમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સાથે રાજધાનીમાં કોવિડના 11 કેસની પુષ્ટિ થઈ છે. તો ઓમિક્રોન કેસની પુષ્ટિ થયા પછી હૈદિયન જિલ્લાના રહેણાંક વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે, જેમાં લોકોને અંદર અને બહાર જવાથી રોકવા માટે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

ઝીરો કોરોના પોલિસી

ચીનમાં ‘ઝીરો કોરોના પોલિસી’ લાગુ છે, એટલે કે કોરોનાનો એક દર્દી મળી આવે તો પણ કડક લોકડાઉન લાગુ કરવાની જોગવાઈ છે. આ દરમિયાન લોકોને તેમના ઘરોમાં કેદ રહેવું પડે છે. હવે ઓલિમ્પિક દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારીને કારણે ચીનની પ્રતિષ્ઠા ઓછી ન થાય તે માટે એનલ સ્વેબનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.