બર્થ-ડેમાં ગિફ્ટમાં આપેલી કારમાં જ અજય દેસાઈએ સ્વીટીની લાશનો નિકાલ કરી નાખ્યો

Uncategorized

કાયદાના રક્ષકે જ ભક્ષક બનીને પત્નીની ઠંડે કલજે હત્યા કરીને લાશ ઉપર જવલનશીલ પદાર્થ નાખીને સળગાવનાર PI અજય દેસાઈની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આઘાતજનક બાબત એ છે કે પીઆઈએ સ્વીટીના બર્થ-ડેમાં ગિફ્ટમાં કાર આપી હતી. આ કારમાં જ સ્વીટીની લાશને નાખીને નિકાલ કરવા લઈ ગયો હતો. જો કે સ્વીટીને ભેટમાં આપેલી કાર બીજાના નામે નીકળતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેની પણ તપાસ ચાલુ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ૨૬મીના રોજ આરોપી પીઆઈ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાને વડોદરાની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરશે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બે પત્નીઓ ગર્ભવતી હોવાથી કોને સાચવવી તે બાબતે ઘરમાં ઝઘડા થતા હતા. જેના લીધે મોડલ સ્વીટીની હત્યા કરવાનું મન પીઆઈ અજય દેસાઈએ બનાવી લીધુ હતુ. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જુદી જુદી ટીમો બનાવીને દહેજ પાસેના અટાલી અને તેના આજુ બાજુના સીસીટીવી ફુટેજ, પીઆઈ અજય દેસાઈ, તેના મિત્ર કિરીટીસિંહ જાડેજા અને મૃતક સ્વીટી પટેલના મોબાઈલના ચેટીંગ સહિતની પુરાવા એકઠા કરી લીધા હતા. પીઆઈ અજય દેસાઈની સતત આઠ કલાક સુધી પુછપરછ કરીને એક પછી એક પુરાવા તેની સામે મુકી દીધા હતા. આ પછી પીઆઈ અજય દેસાઈ ભાંગી પડયા હતા. કિરીટસિંહે પોલીસને કહ્યું કે, મને એવું કહ્યું હતું કે, મારી બહેન કુંવારી છે અને તે હાલ ગર્ભવતી બની ગઈ છે. જેથી મેં તેની હત્યા કરી નાંખી છે. સમાજમાં બદનામી થતી હોવાથી તેને હવે સળગાવી પડે તેમ છે. આમ કહીને સ્વીટીની લાશને સળગાવી હતી.

વડોદરા પોલીસને હોટલની પાછળથી હાડકા મળી આવ્યા હતા.જે તે વખતે પોલીસે સુરતની સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવતા માનવના હાડકા હોવાનું બહાર આવ્યુ હતુ.આમ છતાં વડોદરા પોલીસે તેની કોઈ જ ઉંડાણપૂર્વકની તપાસ કરી નહોતી. એફએસએલમાં પણ હત્યા કરીને માનવને સળગાવી દીધા હોવાનું બહાર આવ્યુ હતુ.

PI એ સ્વીટીની હત્યા કરી ત્યારે તેની બાજુમાં જ ૨ વર્ષનું બાળક સૂતું હતું

આરોપી PI દેસાઈએ ૨૦૧૬માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. બાદ ૨૦૧૭માં પાયલ નામની અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. સ્વીટી સાથે બે વર્ષનું બાળક સુતું હતું તે વખતે અજયે સ્વીટીનું ગળુ દબાવી હત્યા કરી હતી. પછી સ્વીટીની લાશનો નિકાલ કરવા માટે ઘી- ખાંડ તથા જવલનશીલ પદાર્થ મંગાવીને હોટલની પાછળ સળગાવી હતી. સ્વીટીની લાશ સળગતા અઢી કલાક જેટલો સમય લાગતા અજય ત્યાં બેસી મોબાઈલમાં લાઈવ લોકેશન રાખીને બેસી રહ્યો હતો. જયારે હોટલની આગળના ભાગે કીરીટસિંહ જાડેજા ધ્યાન રાખી રહ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે મહત્ત્વના પુરાવા એકઠા કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો

CCTVમાં ઝઘડો તા.૪-૬-૨૦૨૧ ઘરમાં ગઈ પછી બહાર નીકળતા દેખાઈ જ નહીં

તા.૫-૬-૨૦૨૧ના રોજ ગુમ થયાની સાળાને જાણ કરી

તા.૬ના રોજ મિત્રને બોલાવી ઘર બદલવાનું કહીને ઘર વખરી પેક કરી દીધી

તા.૨૭મી જુનના રોજ પીઆઈ એકલો તેના મિત્રના ઘરના વાસ્તુમાં ગયો હતો

અજયના મોબાઈલમાંથી ચેટીંગ સહિતનો ડેટા ડીલીટ કર્યો તે પરત મેળવાયો હતો

સ્વીટીના મોબાઈલ વોટસ એપ સહિતનો ડેટાની ચકાસણી ચાલી રહી છે

પત્નીની લાશ સળગાવી ત્યા સુધી આરોપી અજયે લાઈવ લોકેશન ચાલુ રાખ્યું હતું. તેને મદદ કરનાર કીરીટસિંહ જાડેજા પાસેથી લાઈવ લોકેશન મગાવ્યુ હતુ. પોલીસને આ મહત્વના પુરાવા મળી આવ્યા

બાળકોને મળવા ઓસ્ટ્રેલિયા નહીં જતા કંટાળેલા PIએ સ્વીટીનો કાંટો કાઢયો

મોડલ સ્વીટી પટેલ ઓસ્ટ્રેલિયામાં પહેલા પતિ અને બાળકો સાથે સતત વાતો કરતી હતી. તે અજય દેસાઈથી કંટાળીને ઓસ્ટ્રેલિયામાં બાળકોને મળવા જવાની હતી. અજયે સ્વીટીને ઓસ્ટ્રેલિયા જવાની હા પાડીને હાશકારો અનુભવ્યો હતો. પરંતુ અચાનક સ્વીટીએ ઓસ્ટ્રેલિયા જવાનો ઈન્કાર કર્યો અને ત્રીજી પત્ની બાબતે સતત ઝઘડો ચાલુ રહ્યો હતો. એક સમયે સ્વીટીએ પતિનો ભાંડો ખોલવાની ચિમકી આપી હતી. પછી અજય કંટાળી ગયો અને મોડલ પત્નો કાંટો કાઢી નાખ્યો હતો.

મહત્ત્વના સાક્ષીઓના જજ સમક્ષ નિવેદનો લેવાશે

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આરોપી પીઆઈ અજય દેસાઈ અને કીરીટીસિંહ જાડેજાને સોમવારે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવશે. રિમાન્ડ દરમ્યાન આરોપી પીઆઈ અજય અને કીરીટસિંહને સાથે લઈને હત્યા કરી તે જગ્યાએ નવેસરથી પંચનામું કરીને હોટલ પાછળ લાશ સળગાવવામાં આવી ત્યાં તપાસ અર્થે લઈ જશે. આ પછી મહત્વના સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ નિવેદન લેવાશે. તેમજ કબજે કરયેલા સીસીટીવી ફુટેજ સહિતના મુદ્દે બન્ને આરોપીની પુછપરછ કરાશે.

PI દેસાઈ સાથે ઝઘડો થયા પછી સ્વીટી દેખાઈ જ નહોતી

એસઓજીના પીઆઈ અજય દેસાઈને પત્ની સ્વીટી સાથે ઘરમાં ઝઘડો થયો હતો તે સીસીટીવી ફુટેજ પોલીસને મળી આવ્યા છે. આ પછી સ્વીટી ઘરમાંથી બહાર નીકળી નહોતી. જેથી પોલીસને સૌથી મોટી શંકા ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપી પીઆઈ અજય દેસાઈને સ્વીટી સાથે ઝઘડો થયો પછી કેમ દેખાતી નથી તે સતત પુછપરછ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટેક્નિકલ ટીમે મહત્ત્વના પુરાવા એકઠા કર્યા

ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર ડી.પી.ચુડાસમાની અધ્યક્ષતામાં બે પીઆઈ, છ પીએસઆઈ, ટેકનીકલ પીએસઆઈ સહિતનો સ્ટાફ વડોદરાના દહેજ પાસેના અટાલીમાં તપાસ કરી હતી.જેમાં મહત્વની ભૂમિકા ટેકનીકલ સ્ટાફ અને સિવિલમાં હાડકાની નવેસરથી તપાસ કરીને એફએસએલમાં મોકલી આપ્યા હતા. ઉપરાંત ટેકનીકલ સ્ટાફ દ્વારા પીઆઈના ઘરથી માંડીને હોટલ સહિતની વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવીને ત્યાં જ તપાસ કરીને ગુનો ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *