ઈન્દોરમાં બનેલી ગંભીર ઘટનામાં એક બિલ્ડર અને તેના મિત્રોએ મેટ્રિમોનિયલ સાઈટના માધ્યમથી પરિચયમાં આવેલી છત્તીસગઢની 32 વર્ષની યુવતીને ફાર્મ હાઉસમાં ગોંધી રાખીને દોઢ મહિના સુધી ગેંગરેપ કર્યો હતો. હવસખોરોએ યુવતીનાં ગુપ્તાંગ તથા શરીરના અન્ય ભાગો પર સિગારેટથી ડામ આપ્યા હતા, યુવતીના શરીર પર દાંત વડે બચકાં ભર્યાં હતાં અને વર્ણવી ના શકાય એવી યાતનાઓ ગુજારી હતી. આ ઘટના માંગલિયા વિસ્તારના યુવરાજ ફાર્મ હાઉસમાં બની હતી.
પોલીસે ફાર્મ હાઉસના માલિક બિલ્ડર રાજેશ વિશ્વકર્મા બિજાઘાટ, તેના ત્રણ મિત્ર અને એક કર્મચારી સામે એફઆઈઆર નોંધીને બિલ્ડર સહિત ત્રણ આરોપીને જેલમાં ધકેલી દીધા છે. તમામ આરોપીઓ ઉજ્જૈનના નાગદાના રહેવાસી છે. પોલીસે જબલપુરમાંથી એકની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના માંગલિયા વિસ્તારના યુવરાજ ફાર્મ હાઉસમાં બની હતી. યુવતીએ જણાવ્યું છે કે, રાજેશ સાથે તેની ઓળખાણ મેટ્રિમોનિયલ સાઈટ Jeevansathi.com પર થઈ હતી. રાજેશે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેને ફાર્મ હાઉસમાં રાખી હતી.
રાજેશના મિત્રો અંકેશ બઘેલ, વિવેક વિશ્વકર્મા અને વિપિન ભદૌરિયા પણ ફાર્મ હાઉસ પર આવતા-જતા હતા. રાજેશે તેની ઓળખાણ પોતાની ભાવિ પત્નિ તરીકે કરાવી હતી. પછી બધાએ તેની સાથે ગેંગરેપ કર્યો. આ તમામ હવસખોરોએ દોઢ મહિનાથી યુવતી સાથે ગેંગરેપ ગુજારી રહ્યા હતા. આરોપીઓએ બળાત્કાર દરમિયાન તેના ગુપ્ત ભાગે સિગારેટથી ડામ દીધા હતા. શરીરના ઘણા ભાગો પર બચકાં પણ ભર્યાં હતાં. એક વાર યુવતી ખૂબ જ ઘાયલ થઈ જતાં તેની સારવાર કરાવવી પડી હતી.
દોઢ મહિના સુધી બળાત્કાર પછી રાજેશે તેના પાર્ટનર વિપિન સાથે મળીને યુવતીને છત્તીસગઢમાં તેના ઘરે મૂકી આવ્યો હતો. આરોપીઓએ છરી બતાવી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતી પરિવાર પાસે પહોંચી પછી પરિવારે હિંમત આપતાં શનિવારે યુવતીએ ઈન્દોર આવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.