સુરતના અડાજણમાં બાઈકના આગળના પૈડામાં ક્યાંકથી ફૂટબોલ આવી જતાં સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ગોપીપુરા સ્થિત સ્ટ્રલિંગ એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નેશકુમાર શાહ કાપડના વેપાર સાથે સંકળાયેલા છે. આગામી 26 મેના રોજ તેમની બહેનના લગ્ન લેવાયા હોવાતી તેઓ ગત તા. 10મીએ પત્ની દિપીકાબેન (ઉ.વ. 48) સાથે અડાજણ વિસ્તારમાં સંબંધીના ઘરે જઈ રહ્યા હતા.
આ દરમિયાન અડાજણ ગેલેક્સી સર્કલ પાસેના લાસ વિક્ટોરીયા હોટલ સામેથી પસાર થતી વેળા તેમની બાઇકના આગળના પૈંડામાં અચાનક ક્યાંકથી ફૂટબોલ આવી જતાં સંતુલન ખોરવાતા દિપીકાબેન બાઈક પરથી નીચે પટકાયા હતા. જેને લીધે તેમને માથામાં ગંભીર છજા થવા પામી હતી.
આ અકસ્માત બાદ દિપીકાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શુકવારે દિપીકાબેનનું મોત નીપજ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે અડાજણ પોલીસે તપાસ કરી રહી છે.