મધ્યપ્રદેશના હરદામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 35 વર્ષીય વ્યક્તિએ આત્મહત્યા કરતા પહેલા કંઈક આવો મેસેજ મોકલ્યો હતો, જે ચર્ચાનો વિષય બન્યો છે. ખરેખર, આત્મહત્યા કરતા પહેલા, મૃતકે તેની પત્નીને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો કે, “હું જાઉં છું, તમે સારી રીતે રહો અને કોઇ એવા વ્યક્તિ સાથે મેરેજ કર જેની પાસે નોકરી હોય.”
માહિતી આપતા, સ્થાનિક પોલીસે જણાવ્યું કે, મૃતકની ઓળખ સતીશ બિઝાડે તરીકે થઈ છે, જે મધ્ય પ્રદેશના છિંદવાડાનો રહેવાસી હતો અને હાલમાં હરદામાં રહેતો હતો. સતીશ બિઝાડેના લગ્ન જૂન 2020માં સમોતા તિલવારી સાથે થયા હતા. સમોતા તિલવારી ફોરેસ્ટ ઓફિસર તરીકે કામ કરે છે. તે જ સમયે, સતીશ બિઝાડે બી.ટેક ગ્રેજ્યુએટ હતા અને કેટલાક સમયથી બેરોજગાર હતા. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
કૌટુંબિક વિખવાદ અને નોકરીના અભાવે સતીશ બિઝાડે ઘણા સમયથી તણાવમાં હતો. શરૂઆતમાં બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પરિવારજનોએ વચ્ચે બેસીને મામલો થાળે પાડ્યો હતો. જો કે, જ્યારે આ સિલસિલો ઘણી વખત ચાલુ રહ્યો, ત્યારે સતીશ ઉદાસ થવા લાગ્યો. આ કારણે તેણે 15 એપ્રિલે જ છૂટાછેડા માટે અરજી કરી હતી. મૃતકે તેના એક દિવસ પછી એટલે કે 16 એપ્રિલે ફાંસી લગાવી જીવ ગુમાવ્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે, જે સમયે ઘરમાં આ ઘટના બની તે સમયે સતીશની પત્ની સમોતા ઘરે ન હતી. તેણીએ રાહતગાંવમાં તેની ફરજ પૂરી કરી અને તેણી પિયરમાં જ રોકાઇ ગઇ હતી. આત્મહત્યા કરતા પહેલા સતીશ બિઝાડેએ તેની પત્ની સમોતાને વોટ્સએપ પર મેસેજ પણ કર્યો હતો. સતીષે તેની પત્નીને મોકલેલા સંદેશમાં લખ્યું હતું કે “હું જાઉં છું, તમે સારી રીતે રહો અને કોઇ એવા વ્યક્તિ સાથે મેરેજ કર જેની પાસે નોકરી હોય.”
સવારે જ્યારે સમોતાએ પતિ સતીશનો આ મેસેજ વાંચ્યો ત્યારે તેને નવાઈ લાગી. ત્યારપછી તેણે તેના પતિને ફોન કરીને વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન લાગ્યો ન હતો. કંઈક અઘટિત થવાના ડરથી તેણી તેના ઘરે પહોંચી અને પછી પોલીસને બોલાવી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સતીશ ફાંસી પર લટકતો જોવા મળ્યો હતો. તેણે બે પાનાની સુસાઈડ નોટ પણ છોડી છે. જોકે હવે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.