નોકરિયાત વર્ગના લોકો મહિનાનો અંત થતાં જ પોતાના પગાર માટે આતુરતા પૂર્વક રાહ જુએ છે. નોકરી કરતાં વર્ગના લોકોને મહિનાના અંતે ખિસ્સા ખાલી હોવાના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના સમાધાનરૂપે જો નોકરી કરતાં કર્મચારીને મહિનાની જગ્યાએ દર અઠવાડિયે પગાર ચૂકવી દેવામાં આવે તો? ભારતની એક કંપની કંઈક આવું જ કરવા જઈ રહી છે.
ભારતમાં પ્રથમ વખત કોઈ કંપની પોતાના કર્મચારીઓને વીકલી સેલેરી આપશે. સ્વાભાવિક છે કે, ભારતની બહાર તો આપણે સૌ કોઈએ સાંભળ્યું જ હશે કે, સપ્તાહે પગાર મળતો હોય. જો કે હવે ભારતમાં પણ આની શરૂઆત થઈ ચૂકી છે.
હકીકતમાં ઈ-કૉમર્સ કંપની ઈન્ડિયા માર્ટે પોતાના એમ્પ્લૉયને દર અઠવાડિયે પગાર ચૂકવવાની જાહેરાત કરી છે. કંપનીએ વીકલી પે પૉલિસીની જાહેરાત કરી છે. એટલે કે, હવે કર્મચારીઓને પગાર મેળવવા માટે મહિનાના અંત સુધી રાહ નહીં જોવી પડે.
કંપનીએ ફેસબુક પોસ્ટમાં આપી જાણકારી
ઈન્ડિયામાર્ટનું કહેવું છે કે, આ પૉલિસીથી કર્મચારીઓ પર આર્થિક બોઝો ઓછો થશે અને તેઓ ઉમદા કામ કરશે. ઈન્ડિયામાર્ટે પોતાના ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે, એક ફ્લેક્સિબલ વર્ક કલ્ચર બનાવવા અને કર્મચારીઓના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને ઈન્ડિયા માર્ટે પગારને અઠવાડિયામાં ચૂકવનાર પ્રથમ કંપની બની ગઈ છે.
વિદેશોમાં પહેલાથી જ આ નિયમ
કંપનીના નિવેદન મુજબ, કર્મચારીઓના હિતની દિશામાં સપ્તાહે સેલેરીની ચૂકવણી એક મોટું પગલું છે. ન્યૂઝીલેન્ડ, ઑસ્ટ્રિલિયા, હૉંગકૉંગ અને અમેરિકામાં અઠવાડિયાના અંતમાં પગારની ચૂકવણી સામાન્ય બાબત છે. ભારતમાં અત્યાર સુધી સામાન્ય રીતે કર્મચારીઓને મહિનાના હિસાબે પગાર ચૂકવવામાં આવે છે. જો કે સાપ્તાહિક પેરોલથી કર્મચારીઓ અને કંપની બન્નેને ફાયદા થશે.
જણાવી દઈએ કે, ઈન્ડિયામાર્ટ એક ઑનલાઈન B2B ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. 1999માં આ કંપનીનો પાયો નાંખવામાં આવ્યો હતો અને આ કંપની વેપારીઓ અને ગ્રાહકોને જોડવાનું કામ કરે છે. કંપનીના પ્લેટફોર્મ પર 143 મિલિયન બાયર્સ સક્રિય છે અને 7 મિલિયન સપ્લાયર્સ પણ છે.