પ્રશ્ન : મારી પાડોશમાં એક યુવાન રહે છે, જે અપરિણીત છે. મને એ ખૂબ ગમે છે, પરંતુ તેની સાથે વાત કરવામાં મને સંકોચ થાય છે. એ મારા વિશે શું વિચારશે? એનાં માતા-પિતા એનાં માટે યોગ્ય પાત્રની શોધ કરે છે. મારે કઇ રીતે એ યુવાનને મારી લાગણીઓ વિશે જણાવવું?
એક યુવતી (ભાવનગર)
ઉત્તર : તમને ગમતો યુવાન તમારા પાડોશમાં જ રહે છે અને વળી, તેના માટે તેનાં માતા-પિતા યોગ્ય પાત્રની શોધ કરી રહ્યાં છે. આવા સંજોગોમાં તમે તમારાં માતા-પિતાને તમારી પસંદગી વિશે વાત કરો.
તમારાં માતા-પિતા એ યુવાનનાં માતા-પિતાને તમારા વિશે વાત કરી અને પોતાની દીકરી માટે તેમના પુત્રનું માગું કરશે તો તમને તમારું પ્રિયપાત્ર મળી રહેશે અને એ યુવાનનાં માતા-પિતા પણ તમને ઓળખતાં હોવાથી આ સંબંધ વધારે આગળ વધારવામાં વાંધો નહીં આવે.
પ્રશ્ન : મારી સગાઇ થઇ ગઇ છે, પરંતુ લગ્નને હજી એકાદ વર્ષનો સમય છે. મારા ભાવિ પતિ થોડા સમય માટે ઓફિસના કામ અંગે વિદેશ જવાના છે. મેં એવા અનેક કિસ્સા સાંભળ્યા છે, જેમાં યુવાન વિદેશ જાય તે પછી ત્યાં જઇને લગ્ન કરી લે છે. મને ચિંતા થાય છે કે મારી સાથે આવું તો નહીં થાય ને?
એક યુવતી (સુરત)
ઉત્તર : તમારી સગાઇ થઇ ગઇ છે અને તમારા ભાવિ પતિને ઓફિસના કામ અંગે થોડા સમય માટે જ વિદેશ જવાનું છે. તેમને ત્યાં કાયમ તો રહેવાનું નથી. છતાં તમને વધારે ચિંતા થતી હોય તો તમારાં માતા-પિતાને કહો કે તેઓ તમારાં લગ્ન વહેલાં કરાવી આપે.
જોકે તમે જે વિચારો છો એવું જવલ્લે જ બનતું હોય છે. માટે ખોટી ચિંતા ન કરતાં તમારા ભાવિ પતિ થોડા દિવસો માટે વિદેશ જઇ આવે તે પછી જ લગ્ન કરો તે વધારે હિતાવહ છે.