બાંગ્લાદેશથી દેહવેપાર માટે લવાયેલી સગીરાને ઉગારી

GUJARAT

સુરતમાં બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને ત્રણ શખ્સો એક સગીરાને દેહવેપાર માટે લાવી રહ્યાની એ.ટી.એસ. દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો વચ્ચે સુરત એસ.ઓ.જી.ની ટીમે સુરત રેલવે સ્ટેશન બહાર જ ઓપરેશન હાથ ધરી ૧૭ વર્ષીય સગીરાને દેહવેપારના ધંધામાં જતી ઉગારી હતી. તેને સુરતના સ્પામાં દેહવેપાર માટે ધકેલી દેવા માગતાં દંપત્તિ સહિત ત્રણ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે એ.ટી.એસ. દ્વારા શુક્રવારે સુરત પોલીસને બાંગ્લાદેશીઓ દ્વારા ઘૂસણખોરીને લઇને એલર્ટ કરાઇ હતી. હાવડાથી આવતી ટ્રેનમાંથી દંપત્તિ સહિત ત્રણ બાંગ્લાદેશીઓ એક સગીરાને સુરતમાં સ્પામાં દેહવિક્રય માટે લાવી રહ્યા હોવાની અત્યંત સંવેદનશીલ માહિતીને પગલે એસ.ઓ.જી.નાં ઇન્સપેક્ટર આર.એસ. સુવેરા અને સબ ઇન્સપેક્ટર જાડેજાનાં માર્ગદર્શનમાં ટીમ બનાવી સુરત રેલવે સ્ટેશન ઉપર ઓપરેશન હાથ ધરાયું હતું. ટ્રેન રોકાઇ તે સાથે જ સુરત પોલીસે કુનેહપૂર્વક ઓપરેશન પાર પાડી ૧૭ વર્ષીય સગીરને મુક્ત કરાવી તેની સુરત લઇ આવેલાં બાંગ્લાદેશના નડાઇલ જીલ્લાના માધવપાસા ગામનાં વતની અને ૨૦૧૧થી સુરતના ખોલવડમાં રહેતાં ૩૬ વર્ષીય મીજાનુર ઉફ્ર્ે શરીફ્ુલ હુભ શેખ, તેની પત્ની અજમીરાખાતુન મીજાનુર(ઉ.વ.૩૨) અને નડાઇલ જિલ્લાના પસ્તોહનીયા ગામના વતની અને ૨૦૦૬થી ભરૂચમાં મદીના મસ્જિદ પાસે રહેતાં અને ભારત દેશનો નકલી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડથી લઇને પાસપોર્ટ બનાવી લેવાના કેસમાં ૨૦૧૩માં ઓલપાડમાં પરિવાર સાથે ઝડપાઇ ચૂકેલાં મુર્તુઝા અજમલ શેખની ધરપકડ કરી હતી.

સગીરાની આવકમાંથી રૂપિયા વતન મોકલશે તેમ કહી સુરત લવાય

૨૦૧૧થી શેખ દંપત્તિ સુરતમાં રહેતું હતું. મીજાનુર પહેલાં દેહવિક્રયના ધંધા સાથે સંકળાયો હતો, પરંતુ પોલીસ પકડમાં આવ્યો ન હતો. છેલ્લાં કેટલાંક સમયથી આર્થિક પરિસ્થિતિ નબળી પડતાં આ દંપત્તિ આઠ મહિના પહેલાં બાંગ્લાદેશ જતું રહ્યું હતું અને ત્યાંથી સગીરાને સુરતમાં લાવી સ્પામાં દેહવેપાર કરાવી રૂપિયા કમાવવા માગતું હતું. વતનમાં પોતાના ગામ નજીક જ આ સગીરા ઉપર તેમનો ડોળો ઠર્યો હતો. સગીરાના પિતા વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા. નબળી આર્થિક સ્થિતિ વચ્ચે બે સગીર પુત્રી અને નાના પુત્રનું ગુજરાન ચલાવવામાં તકલીફ અનુભવતી વિધવા પાસેથી તેની સગીરા પુત્રીને સુરતમાં દેહવેપાર કરાવવા માટે ખરીદી લાવ્યા હતા. તેને થોડીક રોકડ જે તે સમયે આપી પુત્રી દેહવિક્રય કરીને કમાશે તેમાંથી અમુક હિસ્સો વતન મોકલાવશે તેવી બાંહેધરી આપી હતી.

બોર્ડર ક્રોસ કરાવીને લાવી શકે તે માટે મુર્તુઝાનો સંપર્ક કર્યો

મુર્તુઝા બાંગ્લાદેશમાંથી બોર્ડર ક્રોસ કરાવી શકે તેવી વ્યક્તિઓને ઓળખતો હોઇ તેનો સંપર્ક આ દંપત્તિએ કર્યો હતો. બોર્ડર ક્રોસ કરાવવા માટે ૧૫૦૦૦ રૂપિયા આપ્યા હતા. મુર્તુઝા પણ તેમની સાથે બાંગ્લાદેશ ગયો હતો. ત્યાંથી આ સગીરા સાથે બોર્ડર ક્રોસ કરાવી કલકત્તા થઇ હાવડા સુધી પહોંચી શકે તે માટે બાંગ્લાદેશના જીલાલ નામના દલાલને ૪૦૦૦ રૂપિયા આપ્યા હતા. પોલીસે જીલાલને પણ વોન્ટેડ જાહેર કરવાની સાથે બોર્ડર ક્રોસ કરાવવા માટે કેટલાં દલાલો સક્રિય છે તેને લઇને પણ પૂછપરછ હાથ ધરી છે. આવનારા દિવસમાં વધુ શકમંદો પકડાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *